Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: પાંચમા તબક્કાના મતદાનમાં આતંકવાદી બુરહાન વાનીના ગામમાં એક પણ મત ન પડ્યો

Social Share

લોકસભા ચૂંટણી માટે પાંચમા તબક્કાના મતદાનમાં કાશ્મીર ઘાટીમાં વોટિંગની ટકાવારી અતિશય ઓછી રહી. અનંતનાગ લોકસભા સીટના શોપિયાં અને પુલવામા જિલ્લાઓમાં ફક્ત 2.81% વોટ્સ પડ્યા. જમ્મુ-કાશ્મીરના ઇતિહાસમાં આ સૌથી ઓછા છે. લગભગ 3 વર્ષ પહેલા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવેલા હિજબુલ મુજાહિદ્દીનના પોસ્ટર બોય બુરહાન વાનીના ગામમાં કોઈએ પણ વોટિંગ કર્યું નથી. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામામાં મોટા હુમલાને અંજામ આપનારા સુસાઇડ બોમ્બર આદિલ અહમદ ડારના ગામમાં ફક્ત 15 વોટ્સ પડ્યા. દક્ષિણ કાશ્મીરમાં અન્ય મિલિટન્ટ કમાન્ડર્સના ગામોમાં પણ કોઈ વોટિંગ કરવામાં આવ્યું નથી.

પ્રાથમિક એનાલિસિસ મુજબ, લદ્દાખમાં 63% વોટિંગ થયું. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કાના મતદાનમાં કાશ્મીરના વોટર્સમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદથી વોટિંગ ટકાવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પહેલાના તબક્કાઓમાં દક્ષિણ કાશ્મીરના બારામુલામાં 35% અને મધ્ય કાશ્મીરના શ્રીનગરમાં 14% વોટ્સ નાખવામાં આવ્યા હતા. અનંતનાગમાં પહેલા 13.63% અને પછી કુલગામ જિલ્લામાં 10.3% વોટ્સ નાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જુલાઈ, 2016માં બુરહાન વાનીને સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.  

ઉગ્રવાદના કેન્દ્રો શોપિયાં અને પુલવામામાં પહેલા જ ઓછા વોટ્સ પડવાની સંભાવના હતી. તાજેતરમાં જ શોપિયાંમાં એક એન્કાઉન્ટરમાં 3 ઉગ્રવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને કેટલાક યુવાનોની ધરપકડ કરી લેવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ કારણે વોટિંગમાં અછત રહી. સોમવારે ઘણી જગ્યાઓએથી ઝપાઝપીની ખબરો પણ આવી. ત્રણ પોલિંગ બૂથ પર ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યા. જોકે, શોપિયાં, વાચી અને ખીયુના ઊંચાઈવાળા વિસ્તારોમાં સારું વોટિંગ જોવા મળ્યું.