
ઉત્તરાખંડ: બેથી વધુ સંતાનો ધરાવતા ઉમેદવારો પણ પંચાયત ચૂંટણી લડી શકશે: SC
ઉત્તરાખંડની પંચાયત ચૂંટણીમાં હવે બેથી વધુ સંતાન ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડી શકશે. હકીકતમાં, આ મામલાને લઇને સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઇકોર્ટના તે નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો જેમાં બેથી વધુ સંતાન ધરાવતા ઉમેદવારને પણ ચૂંટણી લડવા દેવાની વાત કહેવાઇ હતી. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે રાજ્યમાં થનારી પંચાયત ચૂંટણીમાં કોઇ દખલ નહીં કરીએ.
સુપ્રીમ કોર્ટે તેને લઇને હાઇકોર્ટના અરજદારોને પણ નોટિસ જારી કરી છે. નોંધનીય છે કે પંચાયત ચૂંટણીમાં બે થી વધુ સંતાન ધરાવતા ઉમેદવાર ચૂંટણી ના લડી શકે તેવો ઉત્તરાખંડ સરકારે તર્ક રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે કહ્યું હતું કે બેથી વધુ સંતાન ધરાવતા ઉમેદવાર ચૂંટણી લડે તે રાષ્ટ્રહિતની વિરુદ્વ છે. આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો તો કોર્ટે રાજ્ય સરકારના આ નિર્ણય પર રોક લગાવી હતી. હાઇકોર્ટના આ જ આદેશને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો.
કોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યું હતું કે આ વખતે આ નિયમ લાગુ થશે. તેથી આ સંશોધનને લાગુ કરવાની કટઑફ ડેટ 25 જુલાઇ 2019 હશે. તેથી આ તારીખ બાદ બે થી વધુ સંતાન ધરાવતા ઉમેદવારો પંચાયત ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણાશે. જો કે 25 જુલાઇ 2019 પહેલા જેના ત્રણ સંતાન છે તે ચૂંટણી લડી શકશે.
નોંધનીય છે કે ઉત્તરાખંડ સરકારે આ વર્ષે જૂન માસમાં એક બિલ પાસ કર્યું હતું. જેમાં કહેવાયું હતું કે હવે બે થી વધુ સંતાન ધરાવતા ઉમેદવાર પંચાયત ચૂંટણીમાં ભાગ નહીં લઇ શકે. તે સાથે જ ચૂંટણી લડવાની ન્યૂનતમ યોગ્યતા પણ નક્કી કરાઇ હતી.