
મુલાયમ સિંહ યાદવની મર્સિડીઝને સર્વિસ કરાવવાનો ખર્ચ 26 લાખ! યોગી સરકાર બદલશે કાર
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને મળેલી સરકારી ગાડીનો ખર્ચ ઉઠાવવા પણ યૂપી સરકાર અસમર્થ છે. તેથી સરકાર હવે પૂર્વ મુખ્યમંત્રી તેમજ સપા સંરક્ષકની ગાડી બદલવાનો વિચાર કરી રહી છે. મુલાયમ સિંહ યાદવ હાલમાં મર્સીડીઝની એસયુવી કારનો ઉપયોગ કરી રહ્યા છે.
જાણકારી અનુસાર મુલાયમ સિંહ યાદવની આ ગાડીમાં કોઇ ટેકનિકલ ખરાબી છે. ગાડીનો રીપેરીંગ અને સર્વિચ ખર્ચ અંદાજે 26 લાખ રૂપિયા થાય તેમ છે. તેથી સરકાર હવે ગાડી જ બદલવાનો વિચાર કરી રહી છે. મુલાયમ સિંહને હવે ટોયોટાની પ્રાડો દેવામાં આવે તેવી સંભાવના છે.
યૂપી સરકારના સંપત્તિ વિભાગ પાસે મર્સીડીઝની બે એસયૂવી ગાડી છે. તેમાં એક એસયૂવી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બીજી મુલાયમસિંહ યાદવ પાસે છે. અગાઉ પણ મર્સીડીઝના રીપેરિંગને લઇને રાજ્ય સરકારનો સંપત્તિ વિભાગ અને સુરક્ષા શાખા પરસ્પર પત્ર લખી ચૂક્યા છે.