
ઉન્નાવ રેપ પીડિતાનો ચોંકવાનારો ખુલાસો: કહ્યું – કુલદીપ સેંગરે જ તેને મારવાનું કાવતરુ ઘડ્યું
ઉન્નાવ રેપ પીડિતાએ હાલમાં જ એક નિવેદનમાં કુલદીપ સિંહ સેંગરે જ તેની કારનો અકસ્માત કરાવ્યો હોવાનો ખુલાસો કર્યો છે. જણાવી દઇએ કે ગત 28 જુલાઇના રોજ એક માર્ગ દુર્ઘટનમાં પીડિતાની કારની એક ટ્રક સાથે ટક્કર થઇ હતી. જેમાં પીડિતા અને તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે પીડિતાની બે મહિલા સંબંધીઓ આ દુર્ઘટનામાં મૃત્યુ પામી હતી. પીડિતાએ નિવેદન આપ્યું છે કે કુલદીપ સિંહ સેંગરે જ મને રાયબરેલી હાઇવે પર કાર-ટ્રકની ટક્કરથી મારવાનું ષડયંત્ર રચ્યું હતું. તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
પીડિતાએ જણાવ્યું હતું કે અકસ્માત પહેલા સેંગરના સહયોગીઓથી ઉન્નાવ કોર્ટમાં સુનાવણી દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જે વ્યક્તિ પીડિતાને ધમકાવી રહ્યો હતો, તેની માતા પણ આ મામલે આરોપી છે. જ્યારે અદાલતમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે સેંગરના સહયોગીના પુત્રએ તેને ધમકી આપી હતી. સેંગરના સહયોગીઓએ તેની મા વિરુદ્વનો કેસ પાછો ખેંચવા માટે દબાણ કર્યું હતું, કેસ પાછો નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પીડિતાએ વધુમાં ઉમેર્યું હતું કે તેમણે સેંગર અને તેના સહયોગીઓ દ્વારા મળી રહેલી ધમકીઓના સંદર્ભે પોલિસ અને સરકારી અધિકારીઓને અનેક પત્ર લખ્યા હતા. પીડિતાએ કેટલાક દિવસ અગાઉ સીબીઆઇ સામે પણ તેનું નિવેદન નોંધાવ્યું છે. અકસ્માતની દુર્ઘટનાને યાદ કરતા પીડિતાએ કહ્યું હતું કે મે જોયું કે ટ્રક અમારી કાર તરફ આવી રહ્યો હતો અને અમારી કાર સાથે ટક્કર મારી હતી. સેંગરે અમે અકસ્માતથી મારવાનું ષડયંત્ર રચ્યું હતું. તે જેલમાં છે છત્તાં પણ કોઇપણ હદ સુધી જઇ શકે છે.