
મંદિરોમાં પશુઓની બલિ પર આ રાજ્યમાં હાઇકોર્ટનો પ્રતિબંધ, લાંબા સમયથી ચાલતી હતી આ પ્રથા
ત્રિપુરા હાઇકોર્ટે રાજ્યના મંદિરોમાં જાનવરો તેમજ પક્ષિઓની બલિ પર તત્કાલ પ્રભાવથી પ્રતિબંધ ફરમાવ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને મંદિરોમાં દાન કરાતા પશુઓના વાસ્તે ગૌશાળા બનાવવા માટે જમીન ચિહ્નિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. અદાલતે તેના આદેશમાં કહ્યું હતું કે રાજ્ય સહિત કોઇપણ વ્યક્તિને ત્રિપુરા રાજ્યના મંદિર પરિસર અથવા આસપાસના સ્થળે પશુ અથવા જાનવરની બલિ આપવાની અનુમતિ નહીં અપાય.
ચીફ જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ અરિંદમ લોધની ખંડપીઠે આ નિર્ણય વર્ષ 2018માં દાખલ થયેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી બાદ આપ્યો છે. અરજીમાં પૂછાયું હતું કે શુ રાજ્યના મંદિરોમાં પશુ બલિ એક ધર્મનિરપેક્ષ કૃત્ય છે? શું આ પ્રથાને પ્રતિબંધિત કરવાથી ધર્મના પાલન અને પ્રચારના મૌલિક અધિકારોનું હનન થશે.
પીઠે પોતાના આદેશમાં ગોમાતી અને પશ્વિમ ત્રિપુરાના મેજિસ્ટ્રેટને એ પણ આદેશ આપ્યો કે તેઓ ત્રિપુરેશ્વરી મંદિર અને ચતુર્દસ દેવતા બારી મંદિરમાં આ આદેશોનું અનુપાલન કરાવે. તે ઉપરાંત મંદિરોમાં લાગેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગની કૉપી પણ દર મહિને ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો છે.
અદાલતનો આદેશ ત્રિપુરાના ગોમતી જિલ્લામાં આવેલા ત્રિપુરેશ્વરી મંદિરમાં ઓછામાં ઓછા 500 વર્ષોથી પ્રચલિત પશુ બલિ પર રોક લગાવવાની માંગ કરતી અરજીમાં અપાયેલા એક બિંદુના જવાબમાં અપાઇ છે.