
ગુલામ નબી આઝાદને કાશ્મીર જવાની સુપ્રીમની મંજૂરી, 4 જિલ્લાઓની મુલાકાત કરી શકશે
સુપ્રીમ કોર્ટમાં સોમવારે જમ્મૂ કાશ્મીરને લઇને કુલ 8 અરજીઓ પર સુનાવણી થઇ હતી. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદની અરજી પર સુનાવણી દરમિયાન કોંગ્રેસ નેતાના વકીલ અભિષેક મનુ સિંધવીએ દલીલ રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુલામ નબી આઝાદને કાશ્મીર જવાની મંજૂરી આપી છે. આ દરમિયાન તેઓ ચાર જિલ્લાઓની મુલાકાત કરી શકશે.
આ દરમિયાન તેઓ કોઇપણ રાજનૈતિક કાર્યક્રમમાં ભાગ નહીં લઇ શકે. ત્યાંની મુલાકાત બાદ તેઓ સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપશે. તે વિશે કેન્દ્ર સરકારને નોટિસ અપાઇ છે.
સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ હવે ગુલામ નબી આઝાદ બારામૂલા, અનંતનાગ, શ્રીનગર અને જમ્મૂ જિલ્લાઓની મુલાકાત લઇ શકશે. ગુલામ નબી આઝાદે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે આ દરમિયાન તેઓ ત્યાં એક પણ રેલી નહીં યોજે.
સોમવારે સુનાવણી દરમિયાન ગુલામ નબી આઝાદના વકીલ અભિષેક મનુ સિંધવીએ દલીલ રજૂ કરી હતી કે ગુલામ નબી આઝાદ 6 વાર સાંસદ છે, પૂર્વ મુખ્યમંત્રી છે તેમ છત્તાં તેમને શ્રીનગર એરપોર્ટ પરથી પરત મોકલાયા હતા. ગુલામ નબી આઝાદે 8,20 અને 24 ઑગસ્ટના રોજ પરત જવાની કોશિશ કરી હતી.
નોંધનીય છે કે ગુલામ નબી આઝાદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તેના પરિવારને મળવાની મંજૂરી માંગી હતી.