
CBIની પકડથી બહાર પૂર્વ કમિશનર રાજીવ કુમાર, સર્ચ માટે બનાવાઇ ટીમ
શારદા ચિટફંડ મામલે કોલકાતાના પૂર્વ પોલિસ કમિશનર રાજીવ કુમારને શોધવા માટે CBIએ એક વિશેષ ટીમનું ગઠન કર્યું છે. હકીકતમાં, રાજીવ કુમાર વારંવાર સીબીઆઇ સમનને નજરઅંદાજ કરીને ભાગવાની કોશિશમાં છે. રાજીવ કુમારને શોધવા માટે સીબીઆઇ અનેક જગ્યાએ દરોડા પણ પાડી રહી છે. રાજીવ કુમારને ત્રણ વાર સમન્સ પાઠવ્યું હોવા છતાં તે હાજર નથી થયા. તેથી તેને શોધવા માટે ટીમ બનાવાઇ છે.
રાજીવ કુમારને ઝટકો આપતા સીબીઆઇએ બિન જામીન વૉરંટ માટે કોલકાતાની અદાલતનો દરવાજો ખખડાવ્યો છે. સીબીઆઇએ રાજીવ કુમાર વિરુદ્વ વોરંટ જારી કરવા માટે બારાસાત કોર્ટમાં અરજી દાખલ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણવારના સમન્સ છત્તાં રાજીવ કુમાર હાજર ના રહેતા સીબીઆઇએ આ પગલું ભરવું પડ્યું છે. સીબીઆઇના સર્વોચ્ચ સૂત્રોએ કહ્યું હતું કે પશ્વિમ બંગાળના DGPને પત્ર લખ્યા બાદ અમે ગઇકાલે રાજીવકુમારના વકીલને પણ પત્ર લખ્યો અને તેને રાજીવકુમારને તપાસમાં હાજર રહેવાનો નિર્દેશ દેવા કહ્યું. તેઓ સમન્સ છત્તાં હાજર ના રહેતા અમારે આ પગલું લેવા સિવાય કોઇ વિકલ્પ નથી.
જણાવી દઇએ કે રાજીવ કુમાર શુક્રવારથી લાપતા છે. શનિવારે સીબીઆઇ તેને પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું છત્તાં તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા. કોલકાતા હાઇકોર્ટે પણ રાજીવ કુમારની વચગાળાના જામીનની અરજી શુક્રવારે ફગાવી હતી.