
બજારમાં ફળ અને શાકભાજી પર કૃત્રિમ રંગ અને કેમિકલનો છંટકાવ કરીને તે વેચાય છે તે બાબત સામાન્ય છે, પરંતુ જ્યારે કોઇ કેન્દ્રીય મંત્રી જ આ પ્રકારના ફળો કે શાકભાજીનો શિકાર બની જાય ત્યારે તે ફળ વેચનાર વિરુદ્વ તાબડતોડ એક્શન લેવાય તે પણ સહજ છે. જી હા, ખુદ કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામ વિલાસ પાસવાન તેના શિકાર બન્યા છે.
જ્યારે કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને રવિવારે સલાડ ખાવાની ઇચ્છા દર્શાવી અને તેના સ્ટાફથી રશિયન સલાડની વ્યવસ્થા કરવાનું કહ્યું ત્યારે આ કિસ્સો બન્યો હતો.
બજારમાંથી સામાન અને ફળ લીધા બાદ સ્ટાફે રશિયન સલાડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ વચ્ચે રામ વિલાસ પાસવાને દરેક ફળોને સારી રીતે ધોવાની પણ સૂચના આપી હતી.
મંત્રીના આદેશ બાદ સ્ટાફે ચીવટપૂર્વક ફળો ધોવાનું શરૂ કર્યું હતું. પરંતુ જ્યારે સફરજનને ધોવાની કોશિશ કરી તો તે સરખી રીતે ધોવાતું ન હતું. પાણીથી ધોવાથી સફરજન હાથમાંથી સરકી રહ્યું હતું. પરંતુ જ્યારે સ્ટાફે સફરજનને ચાકુથી ખોતરવાનું શરૂ કર્યું તો તેના પર વેક્સ લાગેલું મળ્યું હતું.
હકીકતમાં દુકાનદારે ફળમાં બાહ્ય ચમક માટે તેના પર વેક્સ લગાવ્યું હતું. ફળો-શાકભાજીને કૃત્રિમ રંગ અને કેમિકલના છટકાંવ બાદ ઉંચી કિંમત પર વેચવામાં આવે છે.
રામ વિલાસ પાસવાને જ્યારે ફળ સરખી રીતે ના ધોવાતા હોવા અંગે સ્ટાફને પૂછ્યું તો સ્ટાફે કહ્યું કે ખાન માર્કેટમાંથી ફળની ખરીદી કરી છે. મંત્રીએ જ્યારે સફરજનના ભાવ પૂછ્યો તો તેઓ પણ કિંમત જાણીને ચોંકી ગયા હતા. સ્ટાફે બતાવ્યું કે 420 રૂપિયા કિલોના ભાવે સફરજન ખરીદ્યા છે.
ત્યારબાદ કેન્દ્રીય મંત્રીએ તેના અધિકારીઓને આ બાબતે જાણકારી આપી. ખાસ વાત એ છે કે આ પ્રકારની મિલાવટને રોકવાની જવાબદારી ખુદ પાસવાનના મંત્રાલયની જ છે.
પાસવાનના ફોન બાદ વિભાગ હરકતમાં આવ્યો હતો. ઉપભોક્તા મંત્રાલયની ટીમે ખાન માર્કેટની તે ફળની દુકાન પર દરોડા પાડ્યા હતા. દરોડામાં અધિકારીઓને દરેક ફળો પર વેક્સ અને કેમિકલ મળ્યું હતું.
દરોડા બાદ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફળ વેચનારનું ચલણ પણ કાપવામાં આવ્યું હતું. જો કે દુકાનદારનું કહેવું છે કે તેને અમેરિકન સફરજન આઝાદપુર માર્કેટમાંથી લીધા હતા. ફરીયાદ બાદ તેમણે ફળોને દુકાનમાંથી હટાવ્યા હતા.