
ઉત્તરપ્રદેશ: મુખ્યમંત્રી યોગીએ કહ્યું – જરૂર પડશે તો રાજ્યમાં NRC લાગુ કરાશે
- ઘૂસણખોરો ગરીબોના હક છીનવી રહ્યા છે
- હરિયાણા અને દિલ્હીમાં પણ NRCની માંગ
- રાષ્ટ્રીય સુરક્ષા માટે NRC મહત્વપૂર્ણ
આસામ બાદ ઉત્તરપ્રદેશમાં પણ NRC લાગુ થઇ શકે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો અમે ઉત્તર પ્રદેશમાં પણ એનઆરસી લાગુ કરીશું. યોગીએ આસામના NRCના નિર્ણયને જરૂરી અને સાહસિક પગલું બતાવ્યું હતું.
ગરીબોનો હક છીનવી રહ્યા છે ઘૂસણખોરો
યોગીએ કહ્યું કે આસામમાં જે રીતે એનઆરસી લાગુ કરાયું છે તે અમારા માટે એક સારું ઉદાહરણ બની શકે છે. અમે ત્યાંના અનુભવને જોઇએ ઉત્તર પ્રદેશમાં પણ તેને લાગુ કરી શકીએ છીએ. રાષ્ટ્રીય સુરક્ષા માટે તે ખૂબ મહત્વપૂર્ણ છે. તેનાથી ગરીબોનો અધિકાર છીનવી રહેલા ઘૂસણખોરોને રોકવામાં મદદ મળશે. ઉત્તરપ્રદેશમાં તબક્કાવાર એનઆરસી લાગુ કરી શકાય છે.
દિલ્હી અને હરિયાણામાં પણ NRCની માંગ
અગાઉ દિલ્હીમાં પણ ભાજપ સાંસદ મનોજ તિવારીએ NRCની માંગ કરી હતી. મનોજ તિવારીએ વારાણસીમાં કહ્યું હતું કે આ દેશના સંસાધનો પર અહીંયાના લોકોનો હક છે. જે ઘૂસણખોરો છે તેમને ટ્રેનમાં બેસાડીને તેના દેશ પરત મોકલીશું. તે ઉપરાંત, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ તેના પ્રદેશમાં NRC લાગુ કરવાની વાત કરી છે.