
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઝારખંડના રાચીની મુલાકાત લીધી હતી. રાંચીમાં પીએમ મોદીએ કિસાન માનધન યોજના સહિત અનેક વિકાસ યોજનાઓની શરૂઆત કરી હતી. યોજનાઓની શરૂઆત કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કેટલાક ખેડૂતોને પેંશનનું કાર્ડ પણ સોંપ્યું. જેમાં દેશના અનેક રાજ્યોના ખેડૂતો સામેલ થયા હતા.
વડાપ્રધાને રાંચીમાં સ્થાનિક ભાષામાં તેના સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં કહ્યું હતું કે ઝારખંડ ગરીબોથી જોડાયેલી મોટી યોજનાઓ માટે લૉન્ચિંગ પેડ છે. અમે અહીંયાથી આયુષ્માન ભારત, ખેડૂતોને સંલગ્ન અનેક યોજનાઓ શરૂ કરી.
મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી સમયે મે આપને દમદાર સરકાર આપવાનો વાયદો કર્યો હતો, ગત 100 દિવસોમા ટ્રેલર જોયું છે, ફિલ્મ હજુ બાકી છે. અમારું સંકલ્પ જનતાને લૂંટનારાઓને તેની યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું છે. તેના પર કામ થઇ રહ્યું છે અને કેટલાક લોકો તો ચાલ્યા પણ ગયા છે. જમ્મૂ કાશ્મીરનો વિકાસ અમારું ફોકસ છે તેમજ આતંકને પ્રોત્સાહિત કરનાર સામે એક્શન લેવી એ અમારો ઉદ્દેશ છે.
પીએમ મોદી બોલ્યા કે અમારી સરકારે કામદારો, વેપારીઓ, ખેડૂતોને પેન્શન યોજના આપી. જે દેશને બનાવે તેનું સન્માન કરવું જરૂરી છે. આજે નવા જળમાર્ગની શરૂઆત થઇ છે. જેથી ઝારખંડ પ્રત્યક્ષ રીતે દુનિયાથી જોડાઇ જશે.

વડાપ્રધાનના સંબોધન પહેલા રાજ્યના મુખ્યમંત્રી રઘુવર દાસે પોતાના સંબોધનમાં કલમ 370, ત્રણ તલાક બિલ જેવા નિર્ણયો માટે પીએમ મોદી સરકારની સરાહના કરી હતી અને અભિનંદન પણ પાઠવ્યા હતા. જણાવી દઇએ કે મહારાષ્ટ્ર, હરિયાણા ઉપરાંત ઝારખંડમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાશે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત ત્રણ-ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ખેડૂતોને અપાશે. આ યોજનાની શરૂઆત કરતા પહેલા પીએમ મોદીએ ઝારખંડના નવા વિધાનસભા ભવનનું ઉદ્વઘાટન કર્યું હતું. બિહારથી અલગ રાજ્ય બન્યાના અંદાજે 19 વર્ષ બાદ ઝારખંડને આજે નવું વિધાનસભા ભવન મળ્યું છે.
તે સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ સાહેબગંજના મલ્ટી મૉડલ હબનું ઉદ્વાઘટન કર્યું હતું.
આદિવાસિઓ માટે પીએમ મોદીએ ગુરુવારે 462 એકલવ્ય મૉડલ સ્કૂલની ઑનલાઇન આધારશીલા રાખી હતી. તેમાંથી 69 સ્કૂલ ઝારખંડમાં ખોલાશે. એકલવ્ય મૉડલ સ્કૂલની સ્થાપના તે વિસ્તારોમાં થશે, જ્યાં અનસૂચિત જનજાતિની વસ્તી 50 ટકાથી વધુ હોય અથવા જનસંખ્યા 20 હજારથી વધુ હોય. કેન્દ્ર-રાજ્ય સરકાર સંયુક્તપણે તેની સ્થાપના કરશે.