
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બોલ્યા PM નરેન્દ્ર મોદી, આયુષ્માન ભારત દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત ‘આરોગ્ય મંથન’ ના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આયુષ્માન યોજના દેશની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. આયુષ્માન યોજનાથી ગરીબોને ખૂબજ લાભ મળ્યો છે. સહયોગ અને સંપર્કથી આ અભિયાન ચાલી રહ્યું છે.
આયુષ્માન ભારત યોજનાના 1 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ તરફથી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બે દિવસીય કાર્યક્રમ આરોગ્ય મંથન કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. આરોગ્ય મંથન કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આયુષ્માન ભારતનું આ પ્રથમ વર્ષ સંકલ્પ, સમર્પણ અને શીખનું છે.
PM મોદીએ કહ્યું કે આ ભારતની સંકલ્પ શક્તિ છે કે દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર સ્કીમ આપણે ભારતમાં સફળતાપૂર્વક ચલાવી રહ્યા છીએ. આ સફળતા પાછળ સમર્પણની ભાવના છે. આ સમર્પણ દેશના દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશનું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશના 46 લાખ ગરીબ લોકોમાં બિમારીની નિરાશાથી સ્વસ્થ થવાની આશા જગાવવી બહુ મોટી સિદ્વિ છે. એક વર્ષમાં કોઇ વ્યક્તિની જમીન, ઘર, ઘરેણાં અથવા અન્ય કોઇ સામાન વેંચવાથી બચ્યો છે તો તે આયુષ્માન ભારતની સૌથી મોટી સફળતા છે.