
જમ્મૂ-કાશ્મીરમાં મોહરમ પર શિયા-સુન્ની વચ્ચે હિંસા ભડકાવાનું પાકનું કાવતરું
- મોહરમમાં કાશ્મીરમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવી શકે આતંકીઓ
- ભારતમાં 6-7 આતંકી ગ્રૂપની ઘૂષણખોરી કરાવવાનું પાકનું ષડયંત્ર
- ભારત પર આતંકી હુમલાની ફિરાકમાં પાકિસ્તાન
જમ્મૂ-કાશ્મીર પરના ભારત સરકારના નિર્ણય બાદ પાકિસ્તાન અકળાયું છે અને ત્યારથી સતત ભારત વિરુદ્વ પગલાં લેવાની ચિમકી ઉચ્ચારી રહ્યું છે. ભારતના આ નિર્ણય બાદ પાકિસ્તાને કુટનીતિક રીતે ભારતને મ્હાત આપવાની કોશિશ કરી હતી પરંતુ તેમાં નિષ્ફળતા મળતા હવે તેઓ નાપાક હરકતો કરવાની કોશિશ કરી રહ્યું છે. ગુપ્તચર સૂત્રો અનુસાર પાકિસ્તાન મોહરમ પહેલા કાશ્મીર ઘાટીમાં શિયા અને સુન્ની મુસ્લિમ વચ્ચે તણાવ કે ઘર્ષણ થાય તેવી સ્થિતિનું નિર્માણ કરવાનું કાવતરું ઘડી રહી છે. મોહરમ 10 સપ્ટેમ્બરના રોજ મનાવાશે.
ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી જાણકારી બાદ કાશ્મીરમાં શિયા મસ્જિદોની આસપાસ એલર્ટ જારી કરાયું છે. સૂત્રોનુસાર, કાશ્મીરમાં હિંસા ભડકાવવાના મનસૂબા સાથે આતંકવાદીઓ ધાર્મિક સ્થળોને નિશાન બનાવે તેવી આશંકા છે. શ્રીનગરના હાજિન, બડગામ અને બાંદીપોરામાં સૌથી વધુ શિયા મસ્જિદો છે. શિયા સમુદાય મોટા પાયે મોહરમની ઉજવણી કરે છે. તેમાં ઝુલુસ પણ નીકળે છે.
જો કે જમ્મૂ કાશ્મીરની હાલત હજુ સામાન્ય નથી અને ત્યાં કડી સુરક્ષા છે. તેથી આ વર્ષે મોહરમ માટે ઝુલુસની અનુમતિ અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી.
પાકિસ્તાન કાશ્મીરમાં આતંકીઓની ઘૂષણખોરી કરાવવાની ફિરાકમાં છે. સૂત્રોનુસાર મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ ઝકી-ઉર-રહમાન લખવી PoK પરથી આતંકી હુમલાનું કાવતરુ ઘડી રહ્યો છે. લખવીના એક ઇશારે 40-50 આતંકીઓ ભારતમાં ઘૂષણખોરી કરવા માટે તૈયાર છે. આતંકીઓના 6-7 ગ્રૂપને સરહદ પાર કરાવવાનું મોટુ ષડયંત્ર છે. આ ષડયંત્રમાં આતંકીઓ અને પાકિસ્તાની સેનાની મિલીભગત છે તેવી પણ માહિતી મળી છે.