
- ચિદમ્બરના આગોતરા જામીન સુપ્રીમે કર્યા નામંજૂર
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કસ્ટડીમાં લઇ કરી શકશે પૂછપરછ
- 21 ઑગસ્ટના રોજ ચિદમ્બરમની કરાઇ હતી ધરપકડ
સુપ્રીમ કોર્ટથી પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમને મોટો ઝટકો લાગ્યો છે. INX મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે પી.ચિદમ્બરમના આગોતરા જામીન નામંજૂર કર્યા છે અને તેની જામીન અરજી ફગાવી છે. એટલે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) INX મીડિયા કેસમાં પૂછપરછ માટે પી.ચિદમ્બરમને કસ્ટડીમાં લઇ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સી હવે ચિદમ્બરમની પૂછપરછ કરી શકે છે.
જણાવી દઇએ કે INX મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ સીબીઆઇની કસ્ટડીમાં છે. વચગાળાના જામીન અને સીબીઆઇ કસ્ટડીને લઇને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. અદાલતે તેના નિર્ણયમાં કહ્યું હતું કે તપાસ એજન્સી તરફથી કેસ ડાયરને અદાલતમાં રજૂ કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ઇડીએ જે દસ્તાવેજો એકત્ર કર્યા છે તે પી ચિદમ્બરમને બતાવવાની આવશ્યક્તા નથી અને ચિદમ્બરમને પૂછાયેલા સવાલની ટ્રાન્સક્રિપ્ટ પણ કોર્ટમાં દેવાની જરૂર નથી.
સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી દરમિયાન ચિદમ્બરમની પત્ની નલિની ચિદમ્બરમ, પુત્ર કાર્તિ ચિદમ્બરમ, વકીલ અભિષેક મનુ સિંધવી અન કપિલ સિબ્બલ ઉપસ્થિત રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં પી ચિદમ્બરમ તરફથી સીબીઆઇ કસ્ટડીનો વિરોધ કરાયો હતો. જો કે રાઉજ એવેન્યૂ કોર્ટે પી ચિદમ્બરમને 5 સપ્ટેમ્બર સુધી સીબીઆઇ કસ્ટડીમાં મોકલ્યા હતા. 21 ઑગસ્ટના રોજ ચિદમ્બરમની ધરપકડ કરાઇ હતી અને ત્યારથી તેઓ કસ્ટડીમાં છે.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઇએ કહ્યું હતું કે તેને ચિદમ્બરમની કસ્ટડીની આવશ્યક્તા નથી તેથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલાય. જો તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલાશે તો તેને તિહાર જેલમાં જવું પડશે. જો કે કપિલ સિબ્બલ તરફથી તેનો વિરોધ કરાયો હતો. ત્યારબાદ તેની કસ્ટડી 5 સપ્ટેમ્બર સુધી વધારાઇ હતી.