
પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમને લઇને INX મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે સુપ્રીમમાં EDથી જોડાયેલા મામલાની સુનાવણી થઇ હતી. તેમાં ઇડી તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ તેની દલીલ રજૂ કરી હતી. ઇડીની દલીલ બાદ હવે સુપ્રીમમાં સુનાવણી કાલ સુધી ટળી છે.
સુનાવણીની અપડેટ્સ
વાંચો સુનાવણીની સંપૂર્ણ અપડેટ્સ
સુપ્રીમ કોર્ટમાં ચિદમ્બરમ કેસ પર સુનાવણી કાલ સુધી ટળી છે. સૉલિસિટર જનરલ તુષાર મહેતા ગુરુવારે 11.30 વાગ્યે ફરીથી તેમની દલીલ અદાલતની સામે રજૂ કરશે. મંગળવારે તુષાર મહેતાએ કહ્યું હતું કે તેમને તેમની દલીલ રજૂ કરવા માટે બે કલાકનો વધુ સમય જોઇએ. હવે આ મામલે ગુરુવારે સુનાવણી હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટમાં સૉલિસિટર જનરલે કહ્યું કે અત્યારે ઇડી તપાસ કરી રહી છે, તેથી પુરાવા ના હોઇ શકે. તપાસ દરમિયાન પુરાવાઓને એકત્ર કરાઇ રહ્યા છે અને ત્યારબાદ તેને અદાલતમાં રજૂ કરાશે. તેથી આરોપીને હાલમાં કેસ ડાયરી આપવાની અનુમતિ ના આપી શકાય. તેના પર જવાબ આપતા કપિલે ક્યારેય ડાયરીનો એક્સેસ નથી માંગ્યો તેવું કહ્યું હતું.
સૉલિસિટર જનરલે આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં બંધ કવર આપતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તેને જોઇને પી.ચિદમ્બરમના આગોતરા જામીન પર નિર્ણય આપે. આ મામલે પુરાવાઓ ખૂબજ સંવેદનશીલ છે, તેથી તેને ચિદમ્બરમ સાથે રજૂ ના કરી શકાય.
તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કાનૂન બન્યા બાદ પણ પૈસાની લેવડદેવડ થઇ હોવાનો અમારી પાસે પુરાવો છે. મની લોન્ડરિંગ મામલે સંપત્તિને ટાંચમાં લેવામાં આવે છે અને આ મામલે અમે પણ તે જ પ્રક્રિયા અનુસરી છે.
ઇડી પાસે અધિકાર છે કે તે આરોપીની ધરપકડ કરી શકે. હવે કસ્ટીડમાં પૂછપરછની અનિવાર્યતા પર કોર્ટ નિર્ણય લે. અમારી પાસે જે પુરાવાઓ છે તેમાં વિદેશી બેંકોમાં રહેલા ખાતાની પણ જાણકારી છે.
ઇડી તરફથી તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ઇડી મની લોન્ડરિંગ મામલે આ કેસમાં માહિતી એકત્ર કરી રહી છે. તેનાથી ભારતના અર્થતંત્ર પર પણ અસર થાય છે. આ કોઇ અન્ય આરોપ જેમ નથી. અમે અમારા સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરી રહ્યા છે.
તુષાર મહેતાએ દલીલ રજૂ કરતા કહ્યું હતું કે મની લોન્ડરિંગ જેવો મામલો મોટા ભાગે ડિજીટલ ફોર્મમાં જ હોય છે. તેથી તે ડિટેક્ટ થાય તો તેને મિટાવી પણ શકાય છે. અમે આ મામલે વધુ વિગતો ના આપી શકીએ. અત્યારે તપાસ પ્રારંભિક તબક્કામાં છે અને ચાર્જશીટ દાખલ કરવાની પણ બાકી છે.