
અહો આશ્વર્યમ! 15 હજારની સ્કૂટીનું રૂપિયા 23 હજાર ચલણ કપાયું
- દેશભરમાં 1 સપ્ટેમ્બરથી લાગુ થયા ટ્રાફિકના નવા નિયમો
- હેલમેટ ના પહેરવાને કારણે કપાયું ચલણ
- દિલ્હીના ગુરુગ્રામમાં ચલણ બન્યો ચર્ચાનો વિષય
હરિયાણાના ગુરુગ્રામમાં એક આશ્વર્યજનક ઘટના બની છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. હકીકતમાં, દિલ્હીની ગીતા કૉલોનીમાં રહેનાર એક યુવકને ગુરુગ્રામ પોલિસે 23000 રૂપિયાનું ચલણ પકડાવ્યું હતું. ખાસ વાત એ છે કે જે સ્કૂટી માટે ચલણ કપાયું હતું તેની વર્તમાન માર્કેટ વેલ્યુ રૂ.15000 છે. તેથી ગુરુગ્રામ પોલિસનું આ ચલણ ચર્ચાનો વિષય બન્યું છે. દરેક લોકો સવાલ પૂછી રહ્યા છે કે 15 હજારની સ્કૂટીનું 23 હજાર રૂપિયા ચલણ કેવી રીતે હોઇ શકે.
જાણકારી અનુસાર યુવકનું નામ દિનેશ મદાન છે. તે ગુરુગ્રામ સ્થિત એક પબ્લિકેશનમાં કામ કરે છે. મદાન રોજની જેમ 2 સપ્ટેમ્બરે ગુરુગ્રામ કામ પર જઇ રહ્યા હતા. સ્કૂટી ચલાવતી વખતે તેમણે હેલમેટ નહોતું પહેર્યું. સાથોસાથ તેની પાસે સ્કૂટીના કોઇ દસ્તાવેજ પણ ઉપલબ્ધ ન હતા, જેને કારણે તેને 23000 રૂપિયાનું ચલણ પકડાવાયું હતું. દિનેશ મદાનની માસિક આવક 15-20 હજાર રૂપિયા છે.
દિનેશ મદાને બચાવ કરતા કહ્યું હતું કે તે સર્વિસ લેનમાંથી પસાર થઇ રહ્યા હતા તેથી હેલમેટ નહોતુ પહેર્યું. તેઓ મધ્યમ વર્ગમાંથી આવે છે. જો 23 હજાર રૂપિયા દેવાના થશે તો 15000ની સ્કૂટી માટે હું ચલણની ચૂકવણી નહીં કરું. જ્યારથી તેના ફોનમાં 23 હજાર રૂપિયાના ચલણનો મેસેજ આવ્યો છે ત્યારથી તે પરેશાન છે. અનેક લોકો તેને ફોન પણ કરી રહ્યા છે.
જણાવી દઇએ કે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં માર્ગ વાહન વ્યવહારના નવા નિયમો લાગુ કરાયા છે. જેને અંતર્ગત ચલણ અને દંડની રકમમાં 10 ગણો વધારો કરાયો છે.