
ડીકે શિવકુમાર બાદ હવે તેના ભાઇ પર ઇડીની લાલ આંખ, ફટકારી નોટિસ
પી ચિદમ્બરમ, ડી કે શિવકુમાર બાદ હવે કોંગ્રેસના વધુ એક નેતા પર ઇડીએ લાલ આંખ કરી છે. ઇડીએ પૂછપરછ માટે કોંગ્રેસ સાંસદ ડીકે સુરેશને નોટિસ ફટકારી છે. ડીકે સુરેશ બેંગલુરુ ગ્રામીણ સંસદીય ક્ષેત્રથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભા માટે પસંદ કરાયા છે. ડીકે સુરેશ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારના ભાઇ છે. બીજી તરફ, કર્ણાટક કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટે ઇડીને નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે ઇડીને તપાસનો રિપોર્ટ પણ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે. શિવકુમારની જામીન અરજી પર આગામી સુનાવણી 14 ઑક્ટોબરના રોજ હાથ ધરાશે. એટલે કે ડીકે શિવકુમાર 14 ઑક્ટોબર સુધી તિહાડ જેલમાં જ રહેશે.
દિલ્હીમાં ડીકે શિવકુમારના પૈસા રાખનારે પોતાના નિવેદનોમાં ડીકે સુરેશના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ જ નિવેદનના આધારે ડીકે સુરેશ વિરુદ્વ નોટિસ જારી કરાઇ છે. આ જ સપ્તાહે તેની પૂછપરછ કરાશે. સૂત્રોનુસાર ઇડી ડીકે સુરેશના માધ્યમથી ઑલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી સુધી પહોંચવા માગે છે. ઇડીનો આરોપ છે કે ડીકે શિવકુમાર મારફતે કથિત કાળુ નાણું AICC સુધી પહોંચાડાયું છે.