
બાલાકોટમાં કોઇ આતંકી માર્યો નથી ગયો, કોંગ્રેસ નેતા શશિ થરૂરે કરી બફાટબાજી
- કોંગ્રેસ નેતા શશિ થરૂરે ફરી કરી બફાટબાજી
- કહ્યું સરકારે બાલાકોટ સ્ટ્રાઇકના પુરાવા બતાવવા જોઇતા હતા
- 370 હટાવ્યા બાદ સરકારની કાર્યવાહી અયોગ્ય હોવાનો આરોપ કર્યો
કોંગ્રેસ નેતા શશિ થરૂરે ફરી એકવાર બફાટબાજી કરી છે, જેને લીધે તેની પાર્ટીને અસામાન્ય સ્થિતિનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. શશિ થરૂરે બાલાકોટ એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ત્યાં એક પણ આતંકી મર્યો નથી. આ માટે તેમણે અનેક વિદેશી મીડિયાના રિપોર્ટનો પણ હવાલો આપ્યો હતો. શશિ થરૂરે કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર પાકિસ્તાનનો કોઇ અધિકાર નથી. પીઓકે પર સરકારના વલણને લઇને કોઇ મતભેદ નથી પરંતુ જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ સરકારે બંધારણ અનુરૂપ કાર્યવાહી કરી નથી.
એક કાર્યક્રમાં શશી થરૂરે કહ્યું હતું કે ગાયના નામે થનાર મૉબ લિંચિંગ જેવી ઘટનાઓ દેશની છબી ખરાબ કરે છે. તેનાથી રોકાણકારો રોકાણ કરવાથી દૂર ભાગી રહ્યા છે. બાલાકોટ અંગે કહ્યું હતું કે અનેક આંતરરાષ્ટ્રીય માધ્યમો દ્વારા દર્શાવાયું હતું કે કોઇ આતંકવાદી હવાઇ હુમલામાં માર્યો નથી ગયો. અનેક આંતરરાષ્ટ્રીય માધ્યમોએ તસવીર જારી કરીને આ વાતનો પુરાવો આપ્યો છે.
જો સરકાર કહે છે કે હુમલો પ્રભાવી હતો અને અનેક આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો તો સરકારે કોઇ પુરાવાઓ દર્શાવવા જરૂરી હતા.
આ અવસર પર રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે કહ્યું હતું કે દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે. આજે દરેક ક્ષેત્રમાં મંદીનો દોર છે અને રોકાણકારોનો વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે. બેંકોની એનપીએ વધી રહી છે, બેંક લોન નથી આપી રહી. નોકરીનું સર્જન નથી થઇ રહ્યું અને કારખાનાઓને તાળા લાગી રહ્યા છે.