
- દેશભરમાં 1 સપ્ટેમ્બર 2019થી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ
- અકસ્માતમાં મૃત્યુ પર આરોપી પાસેથી 5 લાખનો દંડ વસૂલાશે
- દેશમાં માર્ગ સુરક્ષા સુનિશ્વિત કરવા લાગુ કરાયો નવો એક્ટ
મોદી સરકારના નવા મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ સમગ્ર દેશમાં હોબાળો મચ્યો છે. લોકો ચલણની ભારે રકમ પર અકળાયા છે. લોકોના આક્રોશ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભારે ચલણને યોગ્ય ઠહેરાવ્યું છે. ગડકરીએ કહ્યું કે મુંબઇથી બાંદ્રા વર્લી સી લિંક પર પર ઓવરસ્પીડિંગને કારણે મારે પણ દંડ ભરવો પડ્યો હતો. મારું પણ ચલણ કપાયું હતું અને મે દંડ ભર્યો હતો.
જણાવી દઇએ કે મોટર વ્હીકલ એક્ટ 1 સપ્ટેમ્બરથી કેટલાક રાજ્યોને બાકાત કરતા દેશભરમાં લાગુ થયો છે. પોલિસ નવા ટ્રાફિક નિયમોના સખ્ત અમલીકરણ માટે સતત ખડેપગે ચેકિંગ કરી રહી છે. સાથે જ અકસ્માતમાં જો કોઇનું મોત થાય છે, તો આરોપી પાસેથી રૂ.5 લાખના દંડની વસૂલાત કરાશે. જ્યારે ગંભીર રીતે ઘાયલ માટે 2.5 લાખના દંડની જોગવાઇ છે.
મોદી સરકાર-2.0ના 100 દિવસ પૂર્ણ થવાના અવસરે નીતિન ગડકરીએ આ વાત કરી હતી. ગડકરીએ આ એક્ટને ઉચિત ઠહેરાવતા કહ્યું હતું કે દેશમાં માર્ગ સુરક્ષા સુનિશ્વિત કરવાના ઉદ્દેશ સાથે આ એક્ટ લાગુ કરાયો છે. કારણ કે હાલમાં અમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 786 બ્લેક સ્પૉટ ચિહ્નિત કર્યા છે. જ્યારે દેશમાં 30 ટકા લોકો નકલી લાઇસન્સ ધરાવે છે.
ટ્રાફિક નિયમ તોડવા પર સખ્ત સજાની જોગવાઇ છે. જો કોઇ પુખ્તવય કરતા ઓછી વર્ષનો ચાલક ડ્રાઇવિંગ કરતા પકડાશે તો તેના માતા-પિતાને 3 વર્ષની જેલની સજા થશે. વાહન નોંધણી રદ્દ કરાશે. દંડની રકમ પણ અનેકગણી વધારાઇ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમોનું ઉલ્લંઘન કરનાર એગ્રીગેટર્સ પાસેથી 1 લાખ રૂપિયાના દંડની વસૂલાત કરાશે. ઝડપી ગતિએ ગાડી ચલાવનાર પાસેથી 1,000-2,000 રૂપિયાના દંડની વસૂલાત કરાશે.