
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે તેઓ 27 સપ્ટેમ્બરના રોજ ઇડી સમક્ષ હાજર થશે તેમજ તેઓ તપાસમાં ઇડીને સહયોગ પણ આપશે. શરદ પવારે કહ્યું હતું કે તેઓ ખુદને જેલમાં મોકલવાના કદમનું સ્વાગત કરે છે અને ત્યાં પણ તેઓ ખૂબજ મજા કરશે.
ઇડીની તપાસ મામલે પત્રકારો સાથે વાતચીત કરતા શરદ પવારે કહ્યું હતું કે મને જેલ જવામાં કોઇ સમસ્યા નથી. કારણ કે મે ક્યારેય પણ તેનો અનુભવ નથી કર્યો તેથી હું ત્યાં પણ મજા કરીશ. જો કોઇ મને આ મામલે જેલમાં મોકલવાનું વિચારી રહ્યું છે તો હું તે પગલાંનું સ્વાગત જ કરીશ.
શરદ પવારે ઇડીની તેના વિરુદ્વ ચાલી રહેલી તપાસ અંગે આ વાત કરી હતી.
તે પહેલા આ મામલામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની યુવા શાખાના કાર્યકરોએ બુધવારે ઇડીની ઓફિસની બહાર દેખાવો કર્યા હતા. તેઓ પાર્ટી પ્રમુખ શરદ પવાર અને અન્ય વિરુદ્વ MSCB બેંક ઘોટાળા સંબંધમાં મની લોન્ડરિંગ કેસ દાખલ થવાના વિરોધમાં દેખાવો કરી રહ્યા હતા. પોલીસે કહ્યું કે પાર્ટીના પાંચ કાર્યકરોની અટકાયત કરાઇ છે.
રાકાંપાના યુવા પ્રાંતીય પ્રમુખ મેહબૂબ શેખની આગેવાનીમાં પ્રદર્શનકારીઓએ ઇડીની ઓફિસ બહાર દેખાવો કર્યા હતા. શેખે દાવો કર્યો હતો કે વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને બાદમાં તેની અટકાયત કરાઇ હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પવારની રેલીઓમાં ભારે સમર્થનને જોઇને ઇડીએ તેના વિરુદ્વ કેસ દાખલ કર્યો છે. ચૂંટણી પહેલા વિપક્ષી નેતાઓના અવાજને દબાવવા માટે ઇડીનો સહારો લેવાયો છે.
ઇડીએ શરદ પવાર અને તેના ભત્રીજા અજિત પવાર તેમજ અન્ય લોકો વિરુદ્વ મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક (MSCB) ઘોટાળાના સંબંધમાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. કેન્દ્રીય એજન્સીએ મની લોન્ડરિંગ હેઠળ કેસ દાખલ કર્યો છે, જે મુંબઇ પોલીસની એક FIR પર આધારિત છે. જેમાં બેન્કના પૂર્વ અધ્યક્ષ, મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને સહકારી બેંકના 70 અન્ય પદાધિકારીઓના નામ છે.