
PoKથી આવેલા 5300 કાશ્મીરી પરિવારો માટે મોદી સરકારનું એલાન, મળશે 5.5 લાખ
- વિસ્થાપિત કાશ્મીરીઓ માટે મોદી સરકારનું એલાન
- કેન્દ્રીય કેબિનેટમાં પુર્નવસવાટ માટે ભથ્થુ દેવાનું એલાન
- 5300 પરિવારોના નામને યાદીમાં સામેલ કરાશે
મોદી સરકારે બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટા નિર્ણય લીધા હતા. કેન્દ્ર સરકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી વિસ્થાપિત થઇને ભારતના અનેક રાજ્યોમાં આવીને વસેલા 5300 કાશ્મીરી પરિવારોને દિવાળીની ભેટ આપી છે. હવે આ પરિવારોને કેન્દ્ર તરફથી સાડા 5 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે. જેથી તેઓ કાશ્મીરમાં વસવાટ કરી શકે. લાંબા સમયથી તેની માંગ થઇ રહી હતી.
આ 5300 પરિવારોનું નામ શરૂઆતમાં વિસ્થાપિતોની યાદીમાં સામેલ ન હતું. પરંતુ હવે સરકારે નિર્ણય લીધો છે કે તે લોકોનું નામ પણ યાદીમાં સામેલ કરાશે અને આર્થિક સહાયતા પ્રદાન કરવામાં આવશે.
જણાવી દઇએ કે 5300 પરિવારોમાં ત્રણ પ્રકારના પરિવાર સામેલ છે. તેમાંથી કેટલાક પરિવારો 1947 ના વિભાજનના વખતે આવ્યા હતા, કેટલાક કાશ્મીરના વિલય બાદ અને કેટલાક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી ભારત આવ્યા છે. આ પરિવારો કાશ્મીરથી અલગ રાજ્યોમાં વસેલા હતા.
2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી PoK થી આવેલા આ લોકો માટે 5.5 લાખ રૂપિયા દેવાનું એલાન કર્યું હતું, પરંતુ ત્યારે આ પરિવારો આ લાભથી વંચિત રહ્યા હતા. પરંતુ હવે કેબિનેટે પરિવારોને આર્થિક સહાયતા પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા ખાસ કરીને આ પરિવારો ઘર વસાવી શકે તે હેતુસર આ રાશિ પ્રદાન કરવામાં આવી રહી છે.