
હિંદી દિવસ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન બાદ રાજનીતિ શરૂ થઇ ચૂકી છે. દક્ષિણ ભારતના અનેક નેતાઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યો છે.
શનિવારે ‘હિંદી દિવસ’ ના અવસર પર અમિત શાહે કહ્યું હતું કે એક દેશ માટે એક સામાન્ય ભાષા હોવી ખૂબજ જરૂરી છે. એક એવી ભાષા જે દુનિયાભરમાં આપણી સંસ્કૃતિ અને આપણી ઓળખનું પ્રતિક બને. 14 સપ્ટેમ્બર, હિંદી દિવસના અવસર પર ‘એક રાષ્ટ્ર, એક ભાષા’ પર બોલતા અમિત શાહે કહ્યું હતું કે ભારત વિભિન્ન ભાષાઓને દેશ છે અને દરેક ભાષાનું પોતીકુ મહત્વ છે પરંતુ દેશની ઓળખ બને તેવી એક સામાન્ય ભાષાનું હોવું આવશ્યક છે. જો કોઇ ભાષા દેશને એકજુટ રાખી શકે છે, તો તે વ્યાપક રીતે બોલાતી ભાષા હિંદી છે.
સૌથી પહેલા તામિલનાડુમાં ડીએમકે પ્રમુખ એમ કે સ્ટાલિને વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્ટાલિને વિરોધના સુરમાં કહ્યું હતું કે અમે હંમેશા અમારી પર હિંદી થોપવાનો વિરોધ કરતા આવ્યા છે. અમિત શાહના નિવેદનથી અમને ઝટકો લાગ્યો છે. આ દેશની એકતાને પ્રભાવિત કરી શકે છે. ગૃહમંત્રી આ નિવેદન પાછું લે તેવી અમારી માંગ છે. અમે આ મુદ્દાને પાર્ટીની મીટિંગમાં પણ ઉઠાવીશું.
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ હિંદી દિવસની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ માતૃભાષાના મુદ્દે તેના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે ટ્વીટ કરી કે હિંદી દિવસ પર દરેકને શુભેચ્છા. આપણે દરેક ભાષા અને સંસ્કૃતિઓને સમાન રૂપથી સન્માન કરવું જોઇએ. આપણે અનેક ભાષા શીખી શકીએ છીએ પરંતુ આપણે ક્યારેય માતૃભાષાને ના ભૂલવી જોઇએ.
કર્ણાટકમાં સ્થાનિક નેતાઓએ હિંદી દિવસનો વિરોધ કર્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્વારમૈયાએ કહ્યું હતું કે ભાષા જ્ઞાનને વધારવાનું માધ્યમ છે. આપણે દબાણવશ થયા વગર તેને પ્રેમથી તેનો વ્યાપ વધારી શકીએ છીએ. અમે હિંદીના વિરોધમાં નથી. પરંતુ તેના થોપવાના વિરોધમાં છીએ. અમે હિંદી દિવસની ઉજવણીની વિરુદ્વ છીએ. હિંદી માત્ર એક અધિકૃત ભાષા છે. ભાષા ક્યારેય જૂઠના સહારે આગળ ના વધી શકે, તેનો પ્રેમથી વ્યાપ વધે છે.
હિંદી દિવસના વિરોધમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશમાં હિંદી દિવસ મનાવાઇ રહ્યો છે પરંતુ હું વડાપ્રધાનને પૂછવા માંગું છે કે એ દિવસ ક્યારે આવશે જ્યારે અમે દેશમાં કન્નડ ભાષા દિવસ મનાવીશું. અમે બધા આ દેશમાં સમાન છીએ.
અમિત શાહના નિવેદન પર AIMIM ના સાંસદ અસઉદ્દીન ઔવેસીએ પણ ટ્વીટ કરતા કહ્યું હતું કે હિંદી દરેક ભારતીયોની માતૃભાષા નથી. શું આપ દેશની વિવિધતા અને બીજી ભાષાઓની સુંદરતાની પ્રશંસા કરી શકો છો. બંધારણની કલમ 29 દેશના દરેક નાગરિકને પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે આઝાદી આપે છે. ભારત હિંદી, હિંદુ અને હિંદુત્વથી ખૂબ મોટું છે.
હિંદી દિવસ પર અમિત શાહે હિંદી ભાષાનો પ્રયોગ કરીને એક ભાષાનું મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું સપનુ પૂરું કરવામાં યોગદાન દેવા માટે અનુરોધ કર્યો હતો.