
LIC એ મોદી શાસન દરમિયાન PSU કંપનીઓમાં 10.7 લાખ કરોડ ઠાલવ્યા
ભારતીય અર્થતંત્રમાં જોવા મળી રહેલી મંદીને કારણે સરકાર ચારેય તરફથી ટીકાનો ભોગ બની છે. હવે RBI એ કેટલાક આંકડાઓ રજૂ કર્યા છે જેને કારણે મોદી સરકાર પર વધુ પ્રહારો થઇ શકે છે. આરબીઆઇ અનુસાર લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા(LIC) એ મોદી સરકારના કાર્યકાળ દરમિયાન વર્ષ 2014-15 અને 2018-19 દરમિયાન સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ તેમજ સરકારી બેંકોમાં અંદાજે 10.7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
નોંધનીય છે કે વર્ષ 1956માં LICના અસ્તિત્વમાં આવ્યા બાદથી વર્ષ 2013 સુધી વીમા કંપનીએ સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓમાં કુલ 11.9 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જે છેલ્લા પાંચ વર્ષોમાં વધીને 22.6 લાખ કરોડ રૂપિયા થયું છે. મોદી સરકારે સત્તા પર આવ્યા બાદ એલઆઇસીએ તેના રોકાણનો કુલ 90 ટકા હિસ્સો સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓમાં રોકાણ કર્યો છે.
આંકડાઓ અનુસાર, મનમોહન સિંહની સરકાર દરમિયાન LIC એ સાર્વજનિક ક્ષેત્રમાં કુલ 6.2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જે મોદી સરકારના કાર્યકાળમાં વધીને 10.7 લાખ કરોડ થઇ ચૂક્યું છે અને તેમાં 72 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. માર્ચ 2019 સુધીના આંકડાઓ અનુસાર એલઆઇસીએ તેનું 99 ટકા રોકાણ સ્ટૉક એક્સચેન્જ સિક્યોરિટીઝમાં કર્યું છે.