
કાશ્મીરમાંથી 370 હટાવવા પર સુપ્રીમની કેન્દ્રને નોટિસ, ઑક્ટોબરમાં બંધારણીય પીઠ કરશે સુનાવણી
જમ્મૂ કાશ્મીરને લઇને આજે મહત્વપૂર્ણ દિવસ છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવવાના નિર્ણય વિરુદ્વ દાખલ કરાયેલી 14 અરજીઓ પર આજે સુનાવણી હાથ ધરાશે. તેમાં કેટલીક અરજી કાશ્મીરમાં લાગેલી પાબંધીઓને હટાવવા માટે પણ છે. સુપ્રીમ કોર્ટે આ મામલાને લઇને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. સાથે જ આ મામલાની વધુ સુનાવણી હવે બંધારણીય પીઠ ઑક્ટોબરમાં કરશે.
સુનાવણીની અપડેટ્સ
સુપ્રીમ કોર્ટે જમ્મૂ કાશ્મીરમાં મીડિયાની સ્વતંત્રતાને લઇને પણ કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે.અદાલતે કેન્દ્ર સરકારને સાત દિવસમાં જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે.
જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવવાના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે ઑક્ટોબર મહિનામાં સુનાવણી કરશે. હવે અદાલતની બંધારણીય ખંડપીઠ આ મામલાની સુનાવણી કરશે.
સીતારામ યેચુરીને પણ કાશ્મીર જવાની મંજૂરી
બીજી તરફ અરજીમાં સુપ્રીમ કોર્ટે ડાબેરી નેતા સીતારામ યેચુરીને પણ શ્રીનગર જવાની મંજૂરી આપી છે. સીતારામ યેચુરીએ સાંસદ એમવાઇ તરિગામીથી મળવાની અનુમતિ માંગી હતી. તેના પર મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે અમે તમને તમારા મિત્રથી મળવાની મંજૂરી આપીએ છીએ. પરંતુ આ દરમિયાન તમે કોઇ અન્ય કામ નહીં કરી શકો. સરકાર શા માટે એને રોકી રહી છે. તેઓ દેશના નાગરિક છે, તેના મિત્રને મળવા માંગે છે, તો મળી શકે છે.
તેના પર સૉલિસિટર જનરલે કહ્યું હતું કે તે અંગત નહીં પણ રાજનૈતિક મુલાકાત હતી, જો કે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમે તેને માત્ર તેના મિત્રને મળવાની મંજૂરી આપી રહ્યા છે.
અરજીકર્તા વિદ્યાર્થીને પણ સુપ્રીમમાંથી રાહત
જામિયાના એક વિદ્યાર્થી દ્વારા દાખલ કરાયેલી અરજી પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ પૂછ્યું હતું કે આજે શું સ્થિતિ છે. શું તમે તમારા માતા પિતા સાથે સંપર્ક સાધી શક્યા છો. સુપ્રીમે અરજીકર્તાને અનંતનાગ જવા માટે મંજૂરી આપી છે. જેથી તેઓ પરિવારને મળી શકે અને પછી કોર્ટમાં ફરી રિપોર્ટ કરે. સૉલિસિટરે જનરલે કહ્યું હતુ કે તેઓ તે માટે વ્યવસ્થા કરશે.
રાહુલ ગાંધી પર ભાજપના પ્રહાર
જમ્મૂ-કાશ્મીર પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનને પાકિસ્તાને તેનું હથિયાર બનાવ્યું છે. પાકિસ્તાન રાહુલ ગાંધીના નિવેદનનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મૂ કાશ્મીરની સ્થિતિ દર્શાવવા માટે કરી રહ્યું છે. હવે કોંગ્રેસે આ અંગે સ્પષ્ટતા કરી છે. પરંતુ ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી અબ્બાસ નકવીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની નાદાની કોંગ્રેસ માટે મુશ્કેલી બની ગઇ છે.
હકીકતમાં, કોંગ્રેસે સ્પષ્ટતા કરી હતી કે જમ્મૂ કાશ્મીરને લઇને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં જે ફરીયાદ કરી છે. તેમાં રાહુલ ગાંધીના નિવેદનનો દુરુપયોગ થઇ રહ્યો છે. તેના પર ભાજપે આકરા પ્રહારો કર્યા છે.