
Chandrayaan-2: વિક્રમ લેન્ડરને લઇને આગામી 24 કલાક મહત્વપૂર્ણ, NASAથી મળી શકે નવી અપડેટ
ઇસરોના વૈજ્ઞાનિક તેના ચંદ્ર મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. ઇસરોની મદદ માટે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા પણ તેના ડીપ સ્પેસ નેટવર્કના ત્રણ સેન્ટર્સથી સતત ચંદ્રયાન-2ના ઑર્બિટર અને લેન્ડરથી સંપર્ક બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. તે ઉપરાંત નાસા તેના લૂનર રિકૉનસેંસ ઑર્બિટર મારફતે ચંદ્રના એ હિસ્સાની તસવીર પણ લેશે, જ્યાં વિક્રમ લેન્ડર પડ્યું છે. 17 સપ્ટેમ્બર એટલે કે મંગળવારે નાસાનું LRO ચંદ્રના એ હિસ્સા પરથી પસાર થશે, જ્યાં વિક્રમ લેન્ડર છે.
એવું મનાઇ રહ્યું છે કે નાસાનું લૂનર રિકૉનસેંસ ઑર્બિટર વિક્રમ લેન્ડર વિશે કોઇ નવી જાણકારી આપશે તેવી આશા છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના લૂનર રિકૉનસેંસ ઑર્બિટરના પ્રોજેક્ટ વૈજ્ઞાનિક નોઆ ઇ પેત્રોએ જણાવ્યું કે ચંદ્ર પર સાંજ થવા આવી છે. અમારું LRO વિક્રમ લેન્ડરથી તસવીર તો લેશે પણ તે સ્પષ્ટ આવે તેની બાયંધરી ના આપી શકાય. કારણ કે સાંજે સૂર્યપ્રકાશ ઓછો હોવાથી ચંદ્રની સપાટીની કોઇપણ તસવીર લેવી પડકારજનક હોય છે. પરંતુ જે પણ તસવીર આવશે તે તસવીરોને ઇસરો મોકલાશે.