
ભારતના ચંદ્રયાન મિશનને એ સમયે ઝટકો લાગ્યો, જ્યારે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર બે કિલોમીટરના અંતરે હતું અને સંપર્ક તૂટી ગયો. ઇસરોનું મિશન ચંદ્રયાન 2 ભલે ઇતિહાસ ના બનાવી શક્યું. પરંતુ દેશ વૈજ્ઞાનિકોના જુસ્સાને સલામ કરે છે. સમગ્ર દેશ આ ઘટનાને આતુરતાપૂર્વક નિહાળી હતી પરંતુ કેટલીક ક્ષણોમાં સંપર્ક તૂટી જતા નિરાશા છવાઇ ગઇ હતી.
હકીકતમાં, 48 દિવસના મહત્વાકાંક્ષી સફર સુધી પહોંચતા પહેલા અચાનક ઇસરોના કંટ્રોલ રૂમમાં વાતાવરણ શાંત થઇ ગયું હતું. ચંદ્રયાન-2નું સફળ અંતિમ અને ખૂબજ પડકારજનક ચરણ સુધી પહોંચ્યું હતું પરંતુ લાંબા સમયની પ્રતિક્ષા બાદ ઇસરો તરફથી ઔપચારિક એલાન કરાયું કે લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો છે.
ચંદ્રયાન-2 મિશન મુજબ ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડરનું લેન્ડિગ થવાનું હતું. ચંદ્રના આ ભાગમાં સૂર્યપ્રકાશ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. તેથી લેન્ડર અને રોવર માટે સૂર્યઉર્જા પ્રાપ્ત કરવાનું કામ મુશ્કેલ બને છે.
વૈજ્ઞાનિકોના પડકારો
ચંદ્રના આ હિસ્સા પર અત્યારસુધી કોઇ દેશ પહોંચી નથી શક્યો, આ જ કારણોસર વૈજ્ઞાનિકોને ત્યાંની સપાટીના જાણકારી ન હતી.
અમેરિકાના અપોલો મિશન સહિતના મોટા ભાગના મિશનોમાં ચંદ્રના મધ્યમાં લેન્ડિગ કરાયું હતું જ્યારે ચીનનું મિશન ચંદ્રના ઉત્તર ધ્રુવ પર હાંસલ કરાયું હતું.
ચંદ્રની ઉબડખાબડ જમીન પર સૉફ્ટ લેન્ડિંગ ખૂબ મોટો પડકાર હતો. લેન્ડર વિક્રમને બે ક્રેટરો વચ્ચે સૉફ્ટ લેન્ડિગ માટે જગ્યા શોધવાની હતી.
મુશ્કેલીમાં પણ સફળ થયા વિકસિત દેશ
ભલે ચંદ્ર પર માનવ પહોંચ્યાના 50 વર્ષ પૂર્ણ થયા હોય પરંતુ દરેક વિકસિત દેશો માટે ચંદ્રનું મિશન ખૂબજ પડકારજનક રહ્યું છે. રશિયાએ 1958થી 1976 વચ્ચે અંદાજે 33 મિશન ચંદ્ર તરફ રવાના કર્યા હતા, જેમાંથી 26 મિશન નિષ્ફળ રહ્યા હતા. અમેરિકા પણ આ હોડમાં સામેલ હતી. 1958થી 1972 સુધી અમેરિકાના 31 મિશનોમાંથી 17 મિશનો નિષ્ફળ રહ્યા હતા.
તે ઉપરાંત અમેરિકાએ 1969થી 1972 વચ્ચે કુલ 6 માનવ મિશન પણ મોકલ્યા હતા. જેમાં 24 અંતરિક્ષ યાત્રીઓ ચંદ્રની નજીક પહોંચ્યા હતા પરંતુ માત્ર 12 જ ચંદ્રની જમીન પર ઉતરી શક્યા હતા. તે ઉપરાંત આ વર્ષે અપ્રિલ માસમાં ઇઝરાયલનું પણ ચંદ્ર મિશન અધૂરું રહ્યું હતું.
ઇઝરાયલની એક પ્રાઇવેટ કંપનીનું આ મિશન ચંદ્રથી માત્ર 10 કિલોમીટર દૂર હતું ત્યારે તેનો સંપર્ક તૂટતા મિશન નિષ્ફળ નિવડ્યું હતું.
ઑર્બિટર બન્યું આશાનું કિરણ
ચંદ્રયાન-2ને મંઝિલની નજીક લઇ જનાર ઑર્બિટર હજુ પણ ચંદ્રની કક્ષામાં પરિક્રમા કરી રહ્યું છે. હવે વૈજ્ઞાનિકો આંકડાઓના નિષ્કર્ષ અને ઑર્બિટર પાસેથી મળવાની તસવીરોની પ્રતિક્ષા કરી રહ્યા છે. જેનાથી અંતિમ 15 મિનિટનું વૈજ્ઞાનિક વિશ્લેષણ શક્ય બની શકે.
જે પડકારોને કારણે આ મિશનને સૌથી કઠીન મનાતું હતું. તે પડકારોને મ્હાત આપવા માટે નવા રસ્તાઓ શોધાશે. આ સંદર્ભે ચંદ્રયાન-2 નું અભિયાન આ સૌથી મુશ્કિલ લક્ષ્ય તરફ વધવા માટે વૈજ્ઞાનિકોના અનુભવને વધુ સમૃદ્વ કરનારું સાબિત થશે.