
ચૂંટણી કમિશનર અશોક લવાસાની પત્નીને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી
- ચૂંટણી કમિશનર અશોક લવાસાની પત્ની વિરુદ્વ નોટિસ
- 10 કંપનીના ડાયરેક્ટર રહી ચૂક્યા છે નોવેલ લવાસા
- કંપનીના ડાયરેક્ટર પદ દરમિયાન આવક અંગે પૂછપરછ કરાઇ
ચૂંટણી કમિશનર અશોક લવાસાની પત્નીને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે. આ નોટિસ અનેક કંપનીઓના સ્વતંત્ર નિર્દેશકના રૂપમાં તેની આવકના મામલે મોકલાઇ છે. સૂત્રોનુસાર ચૂંટણી કમિશનર અશોક લવાસાને ભારત સરકારમાં સચિવનો પદભાર ગ્રહણ કર્યા બાદ તેમની પત્ની નોવેલ લવાસાને અનેક કંપનીના સ્વતંત્ર નિર્દેશક બનાવાયા હતા.
જણાવી દઇએ કે આવકવેરા વિભાગે ગત સપ્તાહે જ નોવેલ લવાસાની આ મામલે પૂછપરછ કરી હતી. જ્યારે અશોક લવાસા પર્યાવરણ સચિવ તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે નોવેલ લવાસા વેલસ્પન ગ્રૂપ સહિત 10 કંપનીઓમાં ડાયરેક્ટર પદે હતી. આ 10 કંપનીઓમાં 6 વેલસ્પન ગ્રૂપ ઑફ કંપનીઝ, 2 તાતા ગ્રૂપ ઑફ કંપનીઝ, 1 બલરામપુર ચીની મિલ્સ અને 1 ઓમેક્સ ઑટોઝ સામેલ છે. આવકવેરા વિભાગે નોવેલ લવાસાને આ કંપનીઓમાં તેના ડાયરેક્ટર પદ પર રહેતા તેની આવકને લઇને પૂછપરછ કરી હતી.
અગાઉ અશોક લવાસા લોકસભા ચૂંટણી દરમિયાન સમાચારમાં આવ્યા હતા. ત્યારે લવાસાએ આચાર સંહિતાના કથિતપણે ઉલ્લંઘન મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્વ 11 ફરીયાદ સામે ચૂંટણી આયોગના ક્લીન ચિટ દેવાના નિર્ણય પર અસહમતિ દર્શાવી હતી.
લવાસાએ પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહથી જોડાયેલા પાંચ મામલાઓમાં ક્લીન ચિટ દેવા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. અશોક લવાસા એ બાબતથી સહમત ન હતા કે ગુજરાત અને અન્ય પાંચ મામલાઓમાં સેના અને એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરવા છતાં પીએમ મોદી અને અમિત શાહને ક્લીન ચિટ મળવી જોઇએ.