
કોંગ્રેસ છોડ્યા બાદ અશોક તંવર બોલ્યા – રાહુલ ગાંધીના વફાદારોને પાર્ટીએ કિનારે કર્યા
- હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટી છોડી
- 21 ઑક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામુ આપ્યું છે.
રાજીનામું આપ્યા બાદ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસના નેતૃત્વ પર નિશાન સાધ્યું હતું. તેમણે પ્રહારો કર્યા હતા કે રાહુલ ગાંધીના વફાદાર નેતાઓને પાર્ટીમાં સાઇડલાઇન કરાઇ રહ્યા છે. તંવરે કહ્યું કે અમને સાઇડલાઇન કરાયા તે માટે જ અમારી આવી હાલત છે. તંવરે રાહુલ અને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી પર બોલવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે પાર્ટીની વ્યવસ્થામાં ખૂબજ ખામીઓ છે. મારો ગુસ્સો કોંગ્રેસના લોકોથી છે, પાર્ટીની વિચારધારાથી ગુસ્સો નથી.
ટિકિટ વહેંચણીને લઇને અશોક તંવરની પાર્ટી પ્રત્યેની નારાજગી જોઇ શકાતી હતી. અશોક તંવરે પાંચ કરોડ રૂપિયામાં ટિકિટ વેચાતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આજે તેમણે પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામુ આપ્યું છે. તેના ટ્વીટર એકાઉન્ટ મારફતે અશોક તંવરે રાજીનામુ આપવાની જાણકારી આપી હતી.
હાલમાં જ અશોક તંવરે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને દરેક જવાબદારીઓથી મુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો. જો કે તેઓ એક સાધારણ પાર્ટી કાર્યકર તરીકે કામ કરવાનું ચાલુ રાખશે તેવી પણ સ્પષ્ટતા કરી હતી.
જો કે પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામુ આપતા પહેલા તેમણે ટ્વીટર પર પાર્ટીના દરેક પદોથી રાજીનામુ આપવાનું એલાન કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ પ્રાથમિક સદસ્ય તરીકે પાર્ટીના માધ્યમથી જનતાની સેવા કરતા રહેશે. પરંતુ હવે તેમણે પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી પણ રાજીનામુ આપ્યું છે.