
- નીતિ આયોગના પૂર્વ કાર્યકારી અધિકારી ખુલ્લર પર ચાલશે કેસ
- સીબીઆઇએ તેના વિરુદ્વ કેસ દાખલ કરવાની અનુમતિ માંગી હતી
INX મીડિયા કેસમાં સરકારે નીતિ આયોગના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી સિંધુશ્રી ખુલ્લર પર કેસ ચલાવવાની મંજૂરી આપી છે. INX મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ પણ મુખ્ય આરોપી છે.
કસ્ટડી દરમિયાન ખુલ્લરની સાથે ચિદમ્બરમની સામે-સામે બેસાડીને પણ પૂછપરછ કરાઇ છે. ખુલ્લર ઉપરાંત અનૂપ પુજારી, પ્રબોધ સક્સેના અને રબિંદ્ર પ્રસાદ વિરુદ્વ પણ આ મામલે કેસ ચલાવવાની મંજૂરી મળી ચૂકી છે.
જણાવી દઇએ કે સીબીઆઇએ આ મામલામાં તેઓ વિરુદ્વ કેસ ચલાવવાની મંજૂરી માંગી હતી. એજન્સીનો આરોપ છે કે વિદેશી રોકાણ માટે INX મીડિયાને FIPB મંજૂરી આપવામાં અનિયમિતતા થઇ હતી.
ચિદમ્બરમની અરજીમાં પણ ખુલ્લરનો ઉલ્લેખ
ચિદમ્બરમે આ જ મહિને જામીનની માંગને લઇને અદાલતમાં અરજી દાખલ કરી હતી જેમાં કહ્યું હતું કે FIPB ની અધ્યક્ષતા આર્થિક કાર્ય સચિવ કરે છે અને તેમાં ચાર અન્ય સચિવ (ઉદ્યોગ, વાણિજ્ય, વિદેશ અને ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સ) તેમજ સંબદ્વ પ્રશાસનિક મંત્રાલયના સચિવ સામેલ હોય છે.
અરજીમાં દાવો કરાયો છે કે ચિદમ્બરમે FIPB અને આર્થિક કાર્ય સચિવની ભલામણથી ફાઇલને મંજૂરી આપી હતી. અરજી અનુસાર, સીબીઆઇની કસ્ટડીમાં ચિદમ્બરમનો સામનો તત્કાલીન અવર સચિવ આર.પ્રસાદ, ઓએસડી પી.કે બગ્ગા, નિવેશક પ્રબોધ સક્સેના તેમજ સંયુક્ત સચિવ અનૂપ પુજારી ઉપરાંત અતિરિક્ત સચિવ સિંધુશ્રી ખુલ્લરથી કરાવાયો હતો. આ બધા જ FIPB ની ફાઇલ મંજૂર કરવાની પ્રક્રિયામાં સામેલ હતા.
અરજી અનુસાર ઉપયુક્ત વ્યક્તિઓએ INX મીડિયાને અપાયેલી મંજૂરી યોગ્ય હોવાની પુષ્ટિ કરી છે. તેમાંથી કોઇએ પણ મંજૂરીમાં કોઇપણ પ્રકારના ગેરકાયદેસર કાર્યનો આરોપ નથી લગાવ્યો.
અગાઉ સીબીઆઇએ INX મીડિયા મામલે પી ચિદમ્બરમ અને સિંધુશ્રી ખુલ્લર વચ્ચે ઑગસ્ટના અંતમાં સામનો કરાવ્યો હતો. યૂટી કેડરની 1975ની બેચના આઇએએસ અધિકારી ખુલ્લર તે સમયે નાણા મંત્રાલયમાં અતિરિક્ત સચિવ હતા ત્યારે INX મીડિયા કેસ સંબંધિત ઘટનાક્રમ થયો હતો.
રેકોર્ડ અનુસાર તેઓ 11 એપ્રિલ 2007થી 11 સપ્ટેમ્બર 2008 વચ્ચે આર્થિક મામલાઓના વિભાગમાં અતિરિક્ત સચિવ હતા. તેમને વિભાગમાં વિશેષ સચિવ તરીકે નિયુક્ત કરાયા હતા અને તેઓ તે પદ પર 12 સપ્ટેમ્બર 2008 થી 2 નવેમ્બર 2008 સુધી રહ્યા હતા. ખુલ્લરને 2015માં નીતિ આયોગના પહેલા સીઇઓ નિયુક્ત કરાયા હતા.