
વિશ્વ હિન્દુ પરિષદ ગુરુગ્રામમાં શરૂ કરશે વેદ યુનિવર્સિટી, વૃક્ષો નીચે વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે
વિશ્વ હિન્દુ પરિષદ તેની પ્રથમ યુનિવર્સિટી શરૂ કરવા જઇ રહ્યું છે. અશોક સિંઘલ વિજ્ઞાન અને ટેક્નોલોજી યુનિવર્સિટીમાં આગામી વર્ષથી અભ્યાસ શરૂ થશે. ગુરુગ્રામમાં આ યુનિવર્સિટી આકાર લઇ રહી છે. આ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ વૈદિક પદ્વતિથી થનારા અભ્યાસને પ્રોત્સાહન આપવાનો છે. અહીંયા વિદ્યાર્થીઓને આધુનિક અને વૈદિક પાઠ્યક્રમ અનુસાર ભણાવવામાં આવશે.
પૌરાણિક સમયને ધ્યાનમાં રાખતા કેટલાક વર્ગો વૃક્ષો હેઠળ પણ લેવામાં આવશે. તે ઉપરાંત કેમ્પસમાં વિદ્યાર્થીઓને સવારે અને સાંજે વિવિધ માધ્યમોથી વૈદિક મંત્ર અને ગીતાના પાઠ પણ સંભળાવવામાં આવશે.
કેમ્પસમાં એક વૈદિક ટાવર પણ લગાવાશે. તે ઉપરાંત એક વિઝ્યુઅલ સ્ટૂડિયો પણ હશે જેમાં દરેક ફ્લોર પર દરેક વેદ અને તેને સંલગ્ન સાહિત્ય ઉપસ્થિત હશે. અહીંયા સુરભિ સદન(ગૌશાળા), મંદિર અને ધ્યાન માટેનો હૉલ તેમજ યજ્ઞ શાળા પણ હશે.
આ યુનિવર્સિટી ગુરુગ્રામમાં 39.68 એકરમાં નિર્માણ પામી રહી છે. આ યુનિવર્સિટીનો ઉદ્દેશ ભારતને ફરીથી વિશ્વ ગુરુ બનાવવા ઉપરાંત આધુનિક વૈજ્ઞાનિકો, ટેકનિકલ લોકો તેમજ વૈદિક પંડિતોને એક કૉમન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો છે. જેથી ભારતના જ્ઞાનની એક નવી અને વિસ્તૃત ધારાનું નિર્માણ થઇ શકે.
‘અશોક સિંઘલ વેદ વિજ્ઞાન અને ટેક્નોલોજી યુનિવર્સિટી’ના પહેલા શૈક્ષણિક સત્રમાં કુલ 20 વિષયો ભણાવાશે. તેમાં એગ્રીકલ્ચર (કૃષિ તંત્રમ), આર્કિટેક્ચર(વાસ્તુ તંત્રમ), એનવાયરમેંટ સાઇન્સ, પેલિયોગ્રાફી (લિપી વિજ્ઞાન), વોરફેર (યુદ્વતંત્રમ) જેવા વિષયોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત બીજા વિષયો પર પણ શિક્ષણ અપાશે.
આ યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પૉલિસી 2019નું પણ પાલન કરશે, જે જલ્દી ફાઇનલ થાય તેવી સંભાવના છે.