
દિલ્હીમાં ફરી ઑડ-ઇવન ફોર્મ્યુલા લાગુ કરાશે, 4-15 નવેમ્બર દરમિયાન માર્ગ પર લાગુ થશે નિયમ
દેશની રાજધાની દિલ્હીમાં ફરી ઑડ-ઇવન સ્કીમ લાગુ કરાશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ એલાન કર્યું છે. આ નિયમ 4 નવેમ્બરથી 15 નવેમ્બર વચ્ચે લાગુ કરાશે. નવેમ્બર માસમાં દિલ્હીની આસપાસના રાજ્યોમાં સ્ટ્રો બાળવામાં આવે છે, તેને કારણે દિલ્હી ગેસ ચેમ્બર બની જાય છે, તેથી જ ફરી એકવાર આ ફોર્મ્યુલા લાગુ કરવાનું નક્કી કરાયું છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે પ્રદૂષણને નાથવા માટે કેન્દ્ર અને પંજાબ સરકાર સાથે અમે કામ કરી રહ્યા છીએ, પરંતુ દિલ્હી સરકાર માત્ર હાથ પર હાથ રાખીને બેસી ના શકે. કેજરીવાલે કહ્યું હતું કે ગત વર્ષ નવેમ્બર માસમાં ઑડ-ઇવન ફોર્મ્યુલા લાગુ કરવાથી રાજ્યમાં પ્રદૂષણ ખૂબ ઓછુ થયું હતું. દિલ્હીમાં પ્રદૂષણમાં 25 ટકાનો ઘટાડો થયો છે.
કેજરીવાલે કહ્યું કે અમે જનતાથી સૂચનો માગ્યા અને નિષ્ણાતો સાથે ચર્ચા કરી. દીવાળીમાં ફટાકડાં થી ધૂમાડો ફેલાય છે, તેથી કેજરીવાલે લોકોને ફટાકડાં ના ફોડવા અપીલ કરી હતી. આ સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે. પ્રદૂષણ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે વૉરરૂમ બનાવાઇ રહ્યો છે. દિલ્હીમા પર્યાવરણ માર્શલની પણ નિયુક્તિ કરાશે.
કેજરીવાલે ઉમેર્યુ હતું કે 1200 ઇમેઇલ અને અનેક વિશેષજ્ઞોની સલાહ સૂચના બાદ સરકારે પ્રદૂષણને નાથવા માટે યોજના બનાવી છે. દિલ્હી સરકાર સામુહિક રીતે પ્રદૂષણ-મુક્ત દીવાળી મનાવશે. નવેમ્બર માસમાં ઑડ-ઇવન લાગુ કરાશે. દિલ્હી સરકાર ઑક્ટોબરથી નિશુલ્ક માસ્ક ઉપલબ્ધ કરાવશે.