
- ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બરે લેશે નિવૃત્તિ
- નવા સેનાધ્યક્ષની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ
- PM મોદીની આગેવાની હેઠળની કમિટી લેશે અંતિમ નિર્ણય
ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બરના રોજ નિવૃત થઇ રહ્યા છે, જેને લઇને હવે તેના ઉત્તરાધિકારી એટલે કે નવા સેનાધ્યક્ષની નિયુક્તિની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવા સેનાધ્યક્ષની રેસમાં લેફટનન્ટ જનરલ એમએમ નરાવને, લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ અને લેફટનન્ટ જનરલ એસકે સૈની સૌથી પ્રબળ દાવેદાર મનાય છે.
જણાવી દઇએ કે વર્તમાન સેનાધ્યક્ષના નિવૃત થવાના ચાર-પાંચ મહિના પહેલાથી જ સેનાધ્યક્ષની નિયુક્તિની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે. નવા સેનાધ્યક્ષની નિયુક્તિમાં રક્ષા મંત્રાલયનો ઓછો હસ્તક્ષેપ હોય છે. નવા સેનાધ્યક્ષની નિયુક્તિનો અંતિમ નિર્ણય પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટની નિયુક્તિ કમિટી લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એકલા મંત્રી છે જે નિયુક્તિ કમિટીમાં સામેલ છે.
પહેલા નવા સેનાધ્યક્ષની પસંદગીનું એલાન વર્તમાન સેનાધ્યક્ષના નિવૃત થવાના એક મહિના પહેલા અથવા 45 દિવસ પહેલા કરવામાં આવે છે. જો કે હવે આ ધારણા બદલાઇ ચૂકી છે. નવા સેનાધ્યક્ષની નિયુક્તિને લઇને પ્રક્રિયા એ સમયે શરૂ કરાઇ છે જ્યારે વર્તમાન સેનાધ્યક્ષ બિપિન રાવત નિવૃત થવાના છે અને પાકિસ્તાન સાથે ભારતનો તણાવ વધ્યો છે. જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન અકળાયેલું છે અને સીમા પારથી સતત ફાયરિંગ કરી રહ્યું છે.
બુધવારે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારતની સેના સીમા પારના પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. પાકિસ્તાનના બાલાકોટમાં ફરી આતંકી ઠેકાણાઓ સક્રિય થવા પર રાજનાથ સિંહે કહ્યું હતું કે સુરક્ષા દળ સંપૂર્ણપણે તૈયાર છે. તેઓ ચેન્નાઇમાં તટરક્ષક બળના જહાજ વરાહના લૉન્ચિંગમાં પહોંચ્યા હતા.