
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત આઠમાં દિવસે પણ વધારો, પેટ્રોલ 74 રૂપિયાને પાર, ડીઝલની કિંમત પણ વધી
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત આઠમા દિવસે પણ વધારો જોવા મળ્યો છે. સપ્તાહના બીજા કારોબારી દિવસ દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 22 પૈસા મોંઘુ થયું છે. ડીઝલના ભાવમાં પણ 14 પૈસાનો વધારો થયો છે.
આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 74 રૂપિયા પ્રતિ લીટરના આંકને પાર કરી ચૂકી છે અને ડીઝલ પણ 67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેહેંચાઇ રહ્યું છે. દિલ્હી સિવાય કોલકાતા અને મુંબઇમાં પણ પેટ્રોલ 22 પૈસા, જ્યારે ચેન્નાઇમાં પણ 23 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ડીઝલની કિંમત વિશે વાત કરીએ તો કોલકાતામાં 12 પૈસા જ્યારે મુંબઇ અને ચેન્નાઇમાં 15 પૈસા પ્રતિ લીટરની કિંમતમાં વૃદ્વિ જોવા મળી હતી.
વાંચો પેટ્રોલ-ડીઝલના નવા રેટ્સ
ઇન્ડિયન ઑઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશ: 74.13 રૂપિયા, 76.82 રૂપિયા, 79.79 રૂપિયા તેમજ 77.06 રૂપિયા પ્રતિ લીટર થયું છે. ચાર મહાનગરમાં ડીઝલની કિંમત વધીને ક્રમશ: 67.07 રૂપિયા, 69.47 રૂપિયા, 70.37 રૂપિયા તેમજ 70.91 રૂપિયા પ્રતિ લીટર થઇ ચૂકી છે.
નોંધનીય છે કે સાઉદી અરબમાં તેલ રિફાઇનરી પર થયેલા ડ્રોન હુમલા બાદથી વૈશ્વિક સ્તરે ક્રૂડની કિંમતો ભડકે બળી છે અને તેને કારણે જ ભારતમાં પણ સતત આઠ દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને પહોંચી છે.