
ચિન્મયાનંદ અને પીડિતાના અવાજની થશે તપાસ, SITને કોર્ટમાંથી મળી મંજૂરી
- ચિન્મયાનંદ અને પીડિતા તેમજ તેના ત્રણ મિત્રોના અવાજનું સેમ્પલ લેવાની અનુમતિ
- ચિન્મયાનંદનો માલિશનો વીડિયો વાયરલ થયા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના સ્વામી ચિન્મયાનંદ યૌન શોષણ મામલે દરેક આરોપીઓના વોઇસ સેમ્પલ લેવાની કોર્ટે અનુમતિ આપી છે. SIT એ ચિન્મયાનંદ, પીડિતા અને પીડિતાના ત્રણ મિત્રોના લેબમાં વોઇસ સેમ્પલ લેવા માટે કોર્ટને અપીલ કરી હતી. ત્યારબાદ કોર્ટે એસઆઇટીની આ અરજીને મંજૂર કરી છે.
વૉઇસ સેમ્પલ માટે કોર્ટમાંથી પરમિશન
હવે એસઆઇટી કોઇપણ સમયે ચિન્મયાનંદ, પીડિતા અને પીડિતાના ત્રણ મિત્રોને લખનૌ લેબમાં વોઇસ સેમ્પલ માટે લઇ જઇ શકે છે. જણાવી દઇએ કે લૉની વિદ્યાર્થીનીએ સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મામલે ચિન્મયાનંદની વિદ્યાર્થીની દ્વારા માલિશનો વીડિયો વાયરલ થયો હતો. તે ઉપરાંત પીડિતાનો ચિન્મયાનંદ પાસેથી 5 કરોડની ખંડણી માંગતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં પીડિતા અને તેના ત્રણ મિત્રોને જોઇ શકાય છે.
કોર્ટમાં ચિન્મયાનંદ અને પીડિતા સહિત તેના ત્રણ મિત્રોએ વીડિયોને નકલી બતાવીને તેનો અવાજ હોવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ એસઆઇટીએ દરેક આરોપીના વોઇસ સેમ્પલ લેવાની માંગ માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી છે. હવે SIT દરેક આરોપીને કોઇપણ સમયે લખનૌ લેબ લઇ જઇ શકે છે અને વોઇસ સેમ્પલ લેશે. વોઇસ સેમ્પલ મેચ થવા પર દરેકની મુશ્કેલી વધી શકે છે. હાલમાં આરોપીઓના વકીલોએ કોર્ટના આદેશનો સ્વીકાર કર્યો છે.