
ચિન્મયાનંદ વિરુદ્વ વિરોધ માર્ચને મંજૂરી નહીં, કોંગ્રેસ બોલી – કાશ્મીર નથી UP
પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ ખંડણી માંગવાના મામલે ધરપકડ કરાયેલી શાહજહાંપુરની વિદ્યાર્થીનીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ લખનૌ સુધી ન્યાય યાત્રા નીકાળવાની હતી, પરંતુ તેને મંજૂરી નહોતી મળી. પ્રશાસને કલમ 144નો હવાલો આપતા તેને પદયાત્રા નીકાળવાની મંજૂરી નહોતી આપી. ન્યાય યાત્રા શરૂ કરતા પહેલા કોંગ્રેસ સાંસદ દળ નેતા અજય કુમાર લ્લૂ તેમજ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ રોહિત ચૌધરીની અટકાયત કરાઇ હતી.
શાહજહાંપુરના જિલાધિકારી ઇંદ્ર વિક્રમ સિંહે કહ્યું હતું કે આ સમયમાં જિલ્લામાં નવરાત્રી, દુર્ગાપૂજા, રામલીલાના કારણે કલમ 144 લાગુ કરાયેલી છે. તેથી યાત્રાને અનુમતિ આપવી સંભવ નથી. તે ઉપરાંત યાત્રાની અનુમતિ માટે 7 દિવસ પહેલા અરજી કરવી પડે છે. પરંતુ કોંગ્રેસના નેતાઓએ એવું નથી કર્યું. તહેવાર પણ શરુ થઇ ચૂક્યા હોવાથી હવે મંજૂરી ના આપી શકાય.
કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા કે બીજેપીની સરકાર ચિન્મયાનંદની મદદ કરી રહી છે અને ન્યાય માંગનારી વિદ્યાર્થીનીને જેલ મોકલાઇ છે. શાહજહાંપુરના કોંગ્રેસના કાર્યવાહક જિલાધ્યક્ષ કૌશલ મિશ્રએ કહ્યું હતું કે યાત્રાની અનુમતિને લઇને દરેક ઔપચારિક્તા પૂર્ણ કરાઇ છે. નગર મેજિસ્ટ્રેટે પમ અનુમતિ દેવાનો ભરોસો આપ્યો હતો.