
- દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી
- આ ટ્રેન લખનૌથી-દિલ્હી વચ્ચે 6 ઑક્ટોબરથી ચાલશે
- યાત્રિકો માત્ર 6.15 કલાકમાં જ લખનૌથી દિલ્હી પહોંચશે
દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીલી ઝંડી દેખાડીને રવાના કરી હતી. લખનૌથી દિલ્હી વચ્ચે ચાલનારી આ ટ્રેનની કમાન IRCTC ના હાથમાં છે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરોને પ્લેન જેવી સુવિધાઓ પ્રાપ્ત થશે. 6 ઑક્ટોબરથી આ ટ્રેન નિયમિતપણે ચાલશે.
ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ આ પ્રસંગે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી જ તેજસ ચાલી રહી છે. આ ટ્રેન સામાન્ય વ્યક્તિને પણ પ્લેન જેવી સુવિધા ઉપલબ્ધ કરાવશે. વડાપ્રધાન અને રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના વિકાસને તેજસ ગતિ આપશે. કારણ કે તમે 6.15 કલાકમાં લખનૌથી દિલ્હી પહોંચી શકો છો.
ટ્રેનમાં મળશે અનેક સુવિધાઓ
આ ટ્રેનની અંતિમ તૈયારીઓ પહેલા મંગળવારે ITCTC ના એમડી એમપી મલ્લ લખનૌ પહોંચ્યા હતા. તેમણે મુખ્ય ક્ષેત્રીય પ્રબંધક અશ્વિની શ્રીવાસ્તવ તેમજ તમામ અધિકારીઓ સાથે તેજસ એક્સપ્રેસમાં મળનારી સુવિધાઓની સમીક્ષા કરી હતી અને ટ્રેનની સુવિધાઓ સતત વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રિકોને મૂવિંન ટૉકીઝની સુવિધા માટે 50 રૂપિયામાં ટેબ્લેટ ઉપલબ્ધ કરાવાશે. આ ટ્રેનના મુસાફરોને 25 લાખનો યાત્રા વિમો પણ મળશે. યાત્રા દરમિયાન ચોરી કે લૂંટના કિસ્સામાં યાત્રિકોને 1 લાખ રૂપિયાનો યાત્રા વિમો આપવાની પણ યોજના છે. ટ્રેન જો સમય ચૂકી જાય તો મુસાફરોને વળતરની પણ જોગવાઇ છે. તે મુજબ ટ્રેન 1 કલાક મોડી થશે તો 100 રૂપિયા તેમજ બે કલાકથી વધુના કિસ્સામાં 250 રૂપિયા વળતર અપાશે. લખનૌથી દિલ્હી તેજસ એક્સપ્રેસના ભાડાની વાત કરીએ તો ચેર કારનું ભાડું 1125 રૂપિયા તેમજ એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડુ 2310 રૂપિયા રખાયું છે. નવી દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસમાં ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેયર કારનું ભાડું અનુક્રમે 1280 રૂપિયા તેમજ 2450 રૂપિયા રખાયું છે.
દેશની પહેલી કૉર્પોરેટ ટ્રેનમાં સીટની ઉપર ફ્લેશ લાઇટ, ઑટોમેટિક ડોર, અટેન્ડંટ બટન, ગેંગવે પર હાઇ ડેફિનેશન કેમેરા, મૂવિંટ ટૉકીઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ટ્રેનમાં ફાયર સ્મોક ડિટેક્શન અલાર્મ, ઑટોમેટિક ડસ્ટબિન, ટ્રેનની સ્પીડ, ખાણીપણી, ઑટોમેટિક પડદા અને આધુનિક ટોયલેટની પણ સુવિધા હશે.