
શી જિનપિંગના ભારત પ્રવાસ પહેલા ચીનની પલટી, જમ્મૂ કાશ્મીરને લઇને આપ્યું આ નિવેદન
- રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત પહેલા ચીનની પલટી
- ચીને કહ્યું યૂએન ચાર્ટરના હિસાબે જમ્મૂ-કાશ્મીર મામલો હલ કરવો જોઇએ
- જમ્મૂ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો – રવીશ કુમાર
રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારત પ્રવાસ પહેલા ચીને જમ્મૂ કાશ્મીર મુદ્દે પલટી મારી છે. ચીનનું કહેવું છે કે જમ્મૂ કાશ્મીરના મામલાને યૂએન ચાર્ટરના હિસાબે હલ કરવો જોઇએ. ચીનનું આ નિવેદન બે દિવસ પહેલા તેઓએ આપેલા નિવેદન કરતાં વિપરીત છે જ્યારે ચીને કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીર એ ભારત-પાકિસ્તાન વચ્ચેનો મામલો છે. ચીનના આ નિવેદન પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ચીનના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત બાદ ત્યાંના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે. તે મુજબ ચીન સંપૂર્ણ વાત પર નજર રાખી રહ્યું છે. જમ્મૂ કાશ્મીર જૂના ઇતિહાસનો વિવાદ છે જેને શાંતિપૂર્ણ રીતે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિયમો અનુસાર હલ કરવો જોઇએ.
ચીન દ્વારા જારી થયેલા આ નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે અમે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે બેઠકને લઇને રિપોર્ટ જોયો છે, જેમાં કાશ્મીરનો પણ ઉલ્લેખ કરાયો છે. ભારતનું વલણ સ્પષ્ટ છે કે જમ્મૂ કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે. ચીન અમારા વલણથી વાકેફ છે અને ભારતના આતંરિક મામલાઓમાં કોઇપણ દેશને દખલગીરીનો હક નથી.
આ પહેલા ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાને પારસ્પરિક મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીત શરૂ કરવી જોઇએ. ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું હતું કે ચીન એવું માને છે કે કાશ્મીર મુદ્દાને ભારત-પાકિસ્તાને સાથે મળીને હલ કરવો જોઇએ.