
સખ્ત ટ્રાફિક નિયમો પર બોલ્યા ગડકરી – કમાણી માટે નહીં, નિયમોનું પાલન કરાવવા દંડની રકમ વધારાઇ
- 1 સપ્ટેમ્બરથી દેશમાં લાગુ થયા ટ્રાફિકના નવા નિયમો
- લોકો ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે આવશ્યક
- લોકો નિયમોનું પાલન કરશે તેવો આશાવાદ – ગડકરી
મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર અને 1 સપ્ટેમ્બર 2019થી લાગુ થયેલા ટ્રાફિકના નવા નિયમો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. ટ્રાફિકના નિયમ તોડવા પર વાહન ચાલકો પાસેથી વસૂલાતા ભારે દંડના સમર્થનમાં અને વિરોધમાં લોકો તેની દલીલો રજૂ કરી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ નિયમોના અમલીકરણના કારણ અંગે સ્પષ્ટતા કરી છે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે દેશના લોકો માર્ગ પર વાહન ચલાવવાના દિશા-નિર્દેશોનું સંપૂર્ણપણે પાલન કરે તે માટે ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરાયો છે. આ નિયમોના કડકાઇથી અમલીકરણ બાદ દરેક દેશવાસી ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
1 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થયા બાદ અનેક જગ્યાએ દ્વિચક્રી અને ત્રીચક્રી વાહનચાલકો પાસેથી ભારે દંડ વસૂલાતના સમાચાર મળ્યા છે. દિલ્હીમાં એક સ્કૂટી સવારને 23000 રૂપિયાનો દંડ તો ઓડિશાના ભુવનેશ્વરમાં ઑટો ચાલક પાસેથી 47000 હજાર રૂપિયાનો દંડ વસૂલાયો હતો. દેશભરમાં દંડની ભારે રકમ પર દલીલબાજી થઇ રહી છે. આ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે આ નિયમો પાછળનો સરકારનો હેતુ કમાણી નથી, પરંતુ લોકો ચુસ્તપણે ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવો છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં સરકારનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકાર નથી ઇચ્છતી કે ટ્રાફિક નિયમો તોડનાર પાસેથી ભારે રકમની વસૂલાત કરાય, પરંતુ તે પાછળનો ઉદ્દેશ લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે છે. આ નિયમો લાગુ થયા બાદ આશા છે કે દરેક લોકો આ નિયમોનું શિસ્ત સાથે પાલન કરશે અને એક દિવસ એવો આવશે જ્યારે કોઇએ પણ દંડ નહીં ભરવો પડે.