
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 312 વિદેશી શિખોના નામ બ્લેક-લિસ્ટમાંથી હટાવ્યા, હવે માત્ર આટલા નામ
કેન્દ્ર સરકારે વિદેશી શિખોના મામલે મોટો નિર્ણય લેતા 312 શિખોને બ્લેક લિસ્ટમાંથી હટાવ્યા છે. ગૃહ મંત્રાલયે શુક્રવારે જાણકારી આપી હતી કે ભારત વિરોધી ગતિવિધિઓમાં શામેલ 312 વિદેશી શિખ નાગરિકોના નામને બ્લેક લિસ્ટમાંથી હટાવાયા છે. હવે આ યાદીમાં માત્ર બે નામ બચ્યા છે. હકીકતમાં, અનેક સુરક્ષા એજન્સીઓએ વિદેશી શિખોના નામ ધરાવતા આ બ્લેક લિસ્ટની સમીક્ષા કરી હતી, જેના આધારે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ હવે તેઓ ભારતમાં પોતાના પરિવારજનો સાથે મુલાકાત કરી શકશે. વિદેશી શિખ નાગરિકો સંબંધી બ્લેકલિસ્ટના વિદેશમાં વિભિન્ન ભારતીય મિશનો દ્વારા પ્રબંધન કરવાના કામને પણ ભારત સરકારે બંધ કર્યું છે. ભારત સરકારે શિખ સમુદાય સાથે જોડાયેલા 314 વિદેશી નાગરિકોના નામના બ્લેકલિસ્ટની સમીક્ષા કરી હતી અને હવે આ સૂચિમાં માત્ર બે નામ છે.
અધિકારીએ જણાવ્યું કે આ સમીક્ષા નિયમિતપણે ચાલતી પ્રક્રિયા છે. આ પ્રકારની સમીક્ષા વિદેશમાં રહેતા શિખો નાગરિકોને ભારતની મુલાકાત લેવાનો અવસર પ્રદાન કરશે. તેનાથી તેઓ ભારતમાં વસેલા તેના પરિવારના સભ્યોને મળી શકશે અને તેના પરિવાર સાથે વધુ જોડાઇ શકશે.