
સેન્સેક્સમાં 10 વર્ષની સૌથી મોટી તેજી, રોકાણકારોએ 7 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી
- સેન્સેક્સમાં 10 વર્ષની સૌથી મોટી તેજી
- માર્કેટકેપ વધીને 1,45,37,378.01 લાખ કરોડ રૂપિયા
- નિફ્ટીમાં પણ 600 પૉઇન્ટ સુધીનો ઉછાળો
સુસ્ત પડેલા અર્થતંત્રને વેગ આપવા માટે શુક્રવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ફરી એકવાર મોટી જાહેરાતો કરી છે. આ વખતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કૉર્પોરેટ સેક્ટર માટે મોટા એલાન કર્યા છે. તેનું શેરબજારે જોરદાર રીતે સ્વાગત કર્યું હતું. સરકારના બુસ્ટર ડોઝને કારણે શેરબજારમાં 10 વર્ષની સૌથી મોટી તેજી જોવા મળી હતી. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સમાં 2250 પોઇન્ટનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો. જેને કારણે રોકાણકારો માલામાલ થયા હતા. કારોબારના અંતે સેન્સેક્સ 1921 અંકની તેજી સાથે 38,014ના સ્તરે તેમજ નિફટી પણ 569 અંકની તેજી સાથે 11,274ના સ્તરે બંધ રહ્યો હતો.
નિર્મલા સીતારમણની પ્રેસ કૉન્ફરન્સ બાદ શેરબજારે રફતાર પકડી હતી અને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. હકીકતમાં, કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ 2250 અંકની તેજી સાથે કારોબાર કરી રહ્યો હતો તો નિફ્ટીમાં પણ 650 અંક સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. અગાઉ 18 મે, 2009 ના રોજ સેન્સેક્સમાં 2110 પોઇન્ટની તેજી જોવા મળી હતી.
શેરબજારમાં તેજીના તરખાટને કારણે રોકાણકારો માલામાલ થઇ ગયા હતા. કારોબાર દરમિયાન રોકાણકારોને 7 લાખ કરોડ રૂપિયાથી વધુની કમાણી થઇ હતી. હકીકતમાં, ગુરુવારે BSEનું માર્કેટ કેપ 1,38,54,439.41 લાખ કરોડ રૂપિયા હતું જે શુક્રવારે બંધ થવા પર 1,45,37,378.01 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ચૂક્યું હતું. આ ગણતરીએ રોકાણકારોને 6.80 લાખ કરોડથી વધુની કમાણી થઇ હતી. કારોબાર દરમિયાન આ નફો વધીને 7 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો અને રોકાણકારોને જંગી કમાણી થઇ હતી.