
ગરીબોની કસ્તુરી ડુંગળીએ ફરી રડાવ્યા, ભાવ આસમાને
રાજધાની દિલ્હી સહિત દેશના અનેક હિસ્સાઓમાં ડુંગળીની કિંમત આસમાને પહોંચી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં ડુંગળીનો છૂટક ભાવ 70થી 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ચૂક્યો છે. તેવામાં કેન્દ્ર સરકાર ડુંગળીઓના વેપારીઓના સંગ્રહની સીમા નક્કી કરવાનો વિચાર કરી રહી છે.
સૂત્રોનુસાર ડુંગળીનું ઉત્પાદન કરતા પ્રમુખ રાજ્યોમાં ભારે વરસાદને કારણે પુરવઠો પ્રભાવિત થતા ડુંગળીના કિંમતોમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. ઉપભોક્તા મામલાના મંત્રાલય અનુસાર, દિલ્હીમાં ગત સપ્તાહે ડુંગળીની છૂટક કિંમત 57 રૂપિયા હતી. જ્યારે મુંબઇમાં તે 56 રૂપિયા, કોલકાતામાં 48 રૂપિયા તેમજ ચેન્નાઇમાં 34 રૂપિયા કિલોગ્રામ હતી.
ગુરુગ્રામ અને જમ્મૂમાં ડુંગળીની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બોલાઇ રહી છે. જો કે આંકડાઓ અનુસાર ગત સપ્તાહના અંત સુધી છૂટક કિંમત 70-80 રૂપિયા કિલો પહોંચી ચૂકી છે. અગાઉના સપ્તાહ દરમિયાન 50-60 રૂપિયા કિલો હતી.
કેન્દ્ર સરકારે ડુંગળીનો પુરવઠો વધારવા માટે પગલાં ભર્યા છે. તેમ છતાં ડુંગળીની કિંમતો ગ્રાહકોને રડાવી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં સરકારે સ્થાનિક પુરવઠો વધારવા તેમજ કિંમતો પર અંકુશ માટે અનેક પગલાં ભર્યા છે. જો કે છેલ્લ બે ત્રણ દિવસમાં ઉત્પાદક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પુરવઠો પ્રભાવિત થવાથી કિંમતો આસમાને પહોંચી છે.