
- વર્ષ 1997-98 બાદ વાહનોના વેચાણમાં સૌથી વધુ ઘટાડો
- લોકો EMI ભરવાને બદલે ઓલા-ઉબરમાં જવાનું પસંદ કરે છે
- ઑગસ્ટ માસમાં વાહનોના વેચાણમાં 23.55 ટકાનો ઘટાડે
ઑટો સેક્ટરમાં મંદીને કારણે દેશના વાહન ઉદ્યોગોને છેલ્લા 21 વર્ષમાં સૌથી ઓછા વાહનોના વેચાણનો સામનો કરવો પડી રહ્યો છે. ઑગસ્ટ માસમાં 1997-98 બાદ સૌથી ઓછુ વેચાણ નોંધાયું હતું. આ વચ્ચે સરકાર તરફથી ઑટો સેક્ટરમાં જોવા મળતી મંદીને લઇને ખુદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી છે.
મંદી પર નાણા મંત્રીની સ્પષ્ટતા
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ઑટો સેક્ટર ઑટો મોબાઇલ ઇન્ડસ્ટ્રી BS6 સ્ટાન્ડર્ડ અને મિલેનિયલ્સની વિચારધારાથી સૌથી વધુ પ્રભાવિત છે. સીતારમણ અનુસાર યુવાવર્ગ આજે ગાડી ખરીદવાને બદલે ઓલા-ઉબેરમાં સવારી કરવાના વિશેષ પ્રાધાન્ય આપે છે.
ઓલા-ઉબરને કારણે લોકો કારની ખરીદી કરવાથી રહે છે દૂર
ઑટો સેક્ટરમાં જોવા મળતી મંદી માટે લોકોની વિચારધારા અને બીએસ-6 મૉડલને જવાબદાર ઠેરવ્યા હતા. નાણા મંત્રીએ કહ્યું હતું કે ઑટો સેક્ટરની કથળેલી હાલત માટે કેટલાક પરિબળો જવાબદાર છે જેમાં, બીએસ-6 અભિયાન, નોંધણીથી જોડાયેલા મામલાઓ અને લોકોની વિચારધારા સામેલ છે. તે ઉપરાંત ઓલા-ઉબરને કારણે પણ લોકો કારની ખરીદી કરવાથી દૂર રહ્યા છે.
લોકો EMIના બોજથી બચવા માંગે છે
આજે લોકો EMI ભરીને ગાડી ખરીદવાને બદલે ઓલા-ઉબર મારફતે સવારી કરવાનું વધારે પસંદ કરે છે. જો કે ઑટો સેક્ટર મંદીમાંથી પસાર થઇ રહ્યું છે તે વાતનો તેમણે સ્વીકાર કર્યો હતો અને મંદીનો હલ આવે તે બાબત પર ભાર મૂક્યો હતો.
તે ઉપરાંત સીતારમણે જણાવ્યું હતું કે સરકાર દરેક સેક્ટર્સની સમસ્યાઓ પ્રત્યે ગંભીર છે અને પગલાં લઇ રહી છે. સરકારે સમસ્યાઓના હલ માટે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં બે મોટા એલાન કર્યા હતા અને ભવિષ્યમાં જરૂર પડે વધુ યોજનાઓની પણ જાહેરાત કરાશે.
નોંધનીય છે કે ઑટો સેક્ટરમાં મંદીને કારણે ઘરેલુ માર્કેટમાં ઑગસ્ટ મહિનામાં વાહનોના વેચાણમાં 23.55 ટકાનો ઘટાડો થયો હતો. અગાઉ વર્ષ 2000ના ડિસેમ્બર માસમાં આ પ્રકારની મંદીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે વાહનોના એકમોના વેચાણમાં 21.81 ટકાનો ઘટાડો નોંધાયો હતો.