
ગોવામાં થનારી GST કાઉન્સિલની બેઠક પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કંપની અને વેપારીઓને રાહત આપતા કૉર્પોરેટ ટેક્સ ઘટાડવાનું એલાન કર્યું હતું. નિર્મલા સીતારમણે કહ્યું કે ટેક્સ ઘટાડવાનું અધ્યાદેશ પાસ થઇ ચૂક્યું છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે આઇટી એક્ટમાં નવી જોગવાઇઓને જોડવામાં આવી છે, જે સુનિશ્વિત કરશે કે કોઇપણ નવી સ્થાનિક કંપની જેનું ગઠન 1 ઑક્ટોબર 2019 કે તેના પછી થયું હોય અને જે નવેસરથી રોકાણ કરવાની હોય તે 15 ટકાના દરે કરવેરાની ચૂકવણી કરશે.
- જો કંપની 31 માર્ચ 2023થી પહેલા ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરે છે તો 15 ટકા ટેક્સ લાગશે. દરેક પ્રકારના સરચાર્જ અને સેસ પર 17.10 ટકા પ્રભાવી દર હશે.
- સ્થાનિક કંપનીઓ પર છૂટછાટ વગર ઇનકમ ટેક્સ 22 ટકા હશે. જ્યારે સરચાર્જ અને સેસ જોડીને પ્રભાવી દર 25.17 ટકા થઇ જશે.
- રોકાણ કરનારી કંપનીઓ પર 15 ટકા ટેક્સ લાગશે
- મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સ ઘટશે
- કોઇપણ છૂટ વગર ઇનકમ ટેક્સ 22 ટકા થશે
- સરકારને આ એલાન બાદ 1.45 લાખ કરોડની રાજકોષીય ખાધ ઘટશે
- ઇક્વિટી, કેપિટલ ગેસ પરથી સરચાર્જ હટાવ્યો છે
- શેર બાયબેક પર 20 ટકા વધેલો ટેક્સ નહીં લાગે
લિસ્ટેડ કંપનીઓને રાહત આપતા નિર્મલા સીતારમણે કહ્યું કે એ કંપનીઓને હવે બાયબેક પર ટેક્સ નહીં દેવો પડે જેમણે 5 જુલાઇ 2019 પહેલા બાયબેક શેરનું એલાન કર્યું છે.
એ સાથે જ MAT અર્થાત્ મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ ખત્મ કરી દીધો છે. હકીકતમાં આ ટેક્સ એવી કંપનીઓ પાસેથી વસૂલાય છે જે નફો કમાય છે, પરંતુ છૂટછાટોને કારણે ટેક્સ ઓછો હોય છે. ઇનકમ ટેક્સ એક્ટ સેક્શન 115JB હેઠળ MAT લાગે છે.
નિર્મલા સીતારમણના આ એલાન બાદ શેરબજારમાં તેજીએ તરખાટ મચાવ્યો હતો. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન નિર્મલા સીતારમણના એલાન બાદ સેન્સેક્સમાં 1600 પોઇન્ટ સુધીનો અને નિફ્ટીમાં પણ 480 પોઇન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સના દરેક 30 શેર્સમાં તેજી જોવા મળી હતી. તે ઉપરાંત રૂપિયામાં પણ 60 પૈસાથી વધુની તેજી જોવા મળી હતી. ડૉલરના મુકાબલે તે 70.68ના સ્તરે પહોંચી ગયો હતો.