
રસોઇમાં પણ મોંઘવારીનો માર: LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો, દિલ્હી સહિતના શહેરોમાં આ છે કિંમત
- ઘરેલુ રસોઇ પણ હવે બની મોંઘી – LPG સિલિન્ડર બન્યા મોંઘા
- દિલ્હી સહિત કોલકાતા, મુંબઇ, ચેન્નાઇમાં સિલન્ડરની કિંમતો વધી
- પેટ્રોલ-ડીઝલ બાદ હવે રસોઇમાં પણ મોંઘવારીનો માર નડશે
નવા મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમતો વધવાને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતો ભડકે બળી છે તો બીજી તરફ ઘરની રસોઇ પણ હવે મોંઘી બની છે. હકીકતમાં હવે એલપીજી સિલિન્ડર વધુ મોંઘા થયા છે. સરકારી ઑઇલ કંપની ઇન્ડિયન ઑઇલ અનુસાર 1 ઑક્ટોબરથી ઇન્ડેન ગેસનો સિલિન્ડર 15 રૂપિયા મોંઘો થયો છે. દિલ્હીમાં ગત મહિને ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત રૂ.590 હતી, હવે તે વધીને રૂ.605 થઇ ચૂકી છે.
દિલ્હી ઉપરાંત દેશના અન્ય શહેરોમાં પણ એલપીજીની કિંમતોમાં વધારો થયો છે. મુંબઇમાં પણ ગત મહિને એલપીજી સિલિન્ડરની કિંમત 562 રૂપિયા હતી, જે વધીને હવે 574 રૂપિયા થઇ ચૂકી છે. કોલકાતામાં પણ સિલિન્ડરની કિંમત 616 રૂપિયાથી વધીને 630 રૂપિયા થઇ ચૂકી છે. ચેન્નાઇમાંથી આજથી એલપીજી સિલિન્ડર 606.5 રૂપિયાને બદલે 620 રૂપિયાના ભાવે મળશે.
વેપાર માટેના સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો
19 રૂપિયા કિલોવાળા વાણિજ્યિક ઉપયોગ ધરાવતા સિલિન્ડરની કિંમતોમાં પણ વૃદ્વિ થઇ છે. ગત મહિનાની સરખામણીએ 1 ઑક્ટોબરથી વાણિજ્યિક સિલિન્ડર 30 રૂપિયા મોંઘું થયું છે. દિલ્હીમાં સપ્ટેમ્બરમાં જ્યાં 19 કિલોનું સિલિન્ડર 1054 રૂપિયામાં મળતું હતું તે હવે વધીને 1085 રૂપિયા થઇ ચૂક્યું છે.