
તેજસ બાદ હવે વધુ 150 ટ્રેનો અને 50 સ્ટેશનોનું થશે ખાનગીકરણ
- 150 ટ્રેન-50 રેલવે સ્ટેશનોને હવે ખાનગી હાથોમાં સોંપાશે
- તે ઉપરાંત 400 રેલવે સ્ટેશનોને વૈશ્વિક સ્તરીય બનાવાશે
- આ માટે એક સમિતિના ગઠનનું પણ સૂચન
તેજસ બાદ હવે ભારતીય રેલવેએ વધુ 150 ટ્રેનોને ખાનગી હાથોમાં સોંપવાનો નિર્ણય કર્યો છે. તે ઉપરાંત 50 સ્ટેશનોનું પણ ખાનગીકરણ કરાશે. હકીકતમાં, મોદી સરકારે ટ્રેનો અને રેલવે સ્ટેશનોના ખાનગીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી છે. સૂત્રોનુસાર નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત દ્વારા રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવને લખવામાં આવેલા પત્રમાં 150 ટ્રેનો તેમજ 50 રેલવે સ્ટેશનોના ખાનગીકરણનો ઉલ્લેખ કરાયો છે.
મીડિયા અહેવાલ અનુસાર નીતિ આયોગના CEO અમિતાભ કાંતે લખ્યું છે કે જે રીતે આપ જાણો છો કે ભારતીય રેલવેએ યાત્રિક ટ્રેન ચલાવવા માટે ખાનગી ટ્રેન સંચાલકોને લાવવાનો નિર્ણય કર્યો છે. તેના જ અંતર્ગત પહેલા ચરણમાં 150 ટ્રેનોને આ પ્રક્રિયા હેઠળ લાવવાની વિચારણા છે. તેમના પત્રમાં 400 રેલવે સ્ટેશનોને વૈશ્વિક સ્તરીય બનાવવાનો પણ ઉલ્લેખ છે.
અમિતાભ કાંતે પત્રમાં લખ્યું હતું કે તેમણે રેલવે મંત્રી સાથે વ્યાપક ચર્ચા કરી છે. તે સમયે આશા હતી કે પ્રાથમિકતાના આધારે 50 સ્ટેશનના ખાનગીકરણને લઇને પગલાં ઉઠાવાય. પત્રમાં તેમણે 6 એરપોર્ટના ખાનગીકરણના અનુભવનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અમિતાભ કાંતે આ પ્રક્રિયા માટે એક એમ્પાવર્ડ ગ્રૂપ ઑફ સેક્રેટ્રીઝનું ગઠન કરવાનું પણ સૂચન કર્યું છે. આ ગ્રૂપમાં નીતિ આયોગના CEO, રેલવે બોર્ડના ચેરમેન, સેક્રેટ્રી ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનૉમિક અફેર્સ, સેક્રેટરી મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સને શામેલ કરીને સમયબદ્વ પ્રક્રિયા અંતર્ગત કામને આગળ વધારવાની વાત કરી છે.