
દેશમાં મંદીના ભણકારા: ઑગસ્ટમાં દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 15 મહિનાના તળિયે
- ઑગસ્ટ માસમાં દેશમાં વેચાણ અને ઉત્પાદનમાં સુસ્ત માહોલ
- મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો PMI ઇન્ડેક્સ ઑગસ્ટમાં 51.4 ટકા
- મોટા ભાગની ફેક્ટરીઓમાં ઉત્પાદનમાં ઘટાડો
દેશમાં વેચાણ, ઉત્પાદન અને રોજગારીમાં મંદ વૃદ્વિને કારણે દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 15 મહિનાના તળિયે જોવા મળ્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો PMI સૂચકાંક જુલાઇ માસના 52.5થી ઘટીને ઑગસ્ટમાં 51.4 ટકા નોંધાયો હતો. મે 2018 બાદ તે સૌથી નીચલા સ્તરે છે. સેક્ટરનો સૂચકાંક 50 થી વધુ હોય તો વિસ્તરણ અને 50થી નીચે હોય તો મંદી દર્શાવે છે.
HIS માર્કિટના મુખ્ય અર્થશાસ્ત્રી પૉલિએનાએ કહ્યું હતું કે ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઑગસ્ટ માસમાં સુસ્ત આર્થિક વૃદ્વિ અને કટોકટીનું દબાણ જોવા મળ્યું હતું. કામના નવા ઑર્ડરો, ઉત્પાદન અને રોજગાર માટેના સૂચકાંકો સહિત મોટા ભાગના પીએમઆઇ સૂચકાંકોમાં નરમાઇ જોવા મળી હતી. વૈશ્વિક મોરચે કથળતી સ્થિતિ વચ્ચે ખાનગી રોકાણ અને ગ્રાહકોની માંગમાં સુસ્તીને કારણે ભારતનો આર્થિક વૃદ્વિદર જૂનના ત્રિમાસિક ગાળામાં 5 ટકાના તળિયે જોવા મળ્યો હતો. જીડીપી ગ્રોથ 6 વર્ષના તળિયે જોવા મળ્યો છે.
ઑગસ્ટ મહિનામાં વેચાણ 15 મહિનાના સૌથી તળિયે રહ્યું હતું. તેને કારણે ઉત્પાદન અને રોજગારી સર્જન પર તેની વ્યાપક અસર જોવા મળી હતી. ફેક્ટરીઓમાં પણ મે 2018 બાદ પહેલી વાર ખરીદી ઘટી છે. 15 મહિનામાં પહેલી વાર ખરીદદારીની ગતિવિધિઓમાં ઘટાડો એક ચિંતાજનક સંકેત છે. મૂડીની અછત અને સ્ટૉકમાં જાણી જોઇને ઘટાડાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે. વિદેશના ઑર્ડરમાં પણ ઘટાડો થયો છે.