1. Home
  2. revoinews
  3. IDBI બેંકને આર્થિક સંકટમાંથી ઉગારવા મોદી સરકાર તેમાં 9296 કરોડની મૂડી ઠાલવશે
IDBI બેંકને આર્થિક સંકટમાંથી ઉગારવા મોદી સરકાર તેમાં 9296 કરોડની મૂડી ઠાલવશે

IDBI બેંકને આર્થિક સંકટમાંથી ઉગારવા મોદી સરકાર તેમાં 9296 કરોડની મૂડી ઠાલવશે

0
  • બેંકને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે સરકારનું પગલું
  • આ પગલાંથી IDBIની વાર્ષિક આવકમાં 500 કરોડની વૃદ્વિ થશે
  • IDBIમાં LICની 51 ટકા ભાગીદારી

IDBI બેંકને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે સરકારે તેમાં 9296 કરોડ રૂપિયાની મૂડી ઠાલવવાનો નિર્ણય લીધો છે. સરકાર અને ભારતીય જીવન વિમા નિગમ (LIC) સંયુક્તપણે આ મૂડી આપશે. કેબિનેટ તરફથી આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ મંગળવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાણકારી આપી હતી.

નોંધનીય છે બેન્કિંગ સેક્ટર ગંભીર કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે અને સરકાર સંપૂર્ણ સેક્ટર પર ઊંડાણપૂર્વક નજર રાખી રહ્યું છે. હાલમાં જ રિઝર્વ બેંકે સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો. તેનાથી એ સંભાવના મજબૂત થઇ હતી કે સરકાર કટોકટીમાંથી પસાર થઇ રહેલી સાર્વજનિક બેંકોમાં નવી મૂડી ઠાલવશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેટલાક દિવસ અગાઉ જ કહ્યું હતું કે સાર્વજનિક બેંકોના રીકેપિટલાઇઝેશન અર્થાત્ નવા ચરણથી મૂડી ઠાલવવા માટે 70000 કરોડ રૂપિયા અપાશે. યોજના અનુસાર IDBI બેંકને સરકાર 4553 કરોડ રૂપિયા અને LIC 4743 કરોડ રૂપિયા આપશે.

ગત વર્ષે જ LICએ IDBIમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને તેમાં સરકારની ભાગીદારી 49 ટકા છે. સરકારના આ પગલાંથી IDBI બેંકની વાર્ષિક આવકમાં 500 કરોડની વૃદ્વિ થશે તેવી આશા સેવાઇ રહી છે. આ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં IDBI બેંકે 3800 કરોડની ખોટ નોંધાવી હતી.

નોંધનીય છે કે RBI એ પબ્લિક સેક્ટરની IDBI બેંકને પ્રાઇવેટ સેક્ટરની બેંકની કેટેગરીમાં રાખી છે. હકીકતમાં, ભારતીય જીવન વિમા નિગમે દેવામાં ડુબેલી IDBI બેંકને ઉગારવા માટે તેનો 51 ટકા હિસ્સો ખરીદ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.