
- મોદી સરકાર દરમિયાન સૌથી નીચલા સ્તરે વિકાસદર
- અનેક સેક્ટરમાં ઉત્પાદન અને વપરાશમાં પણ ઘટાડો
- આગામી 5 વર્ષમાં 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમીનું લક્ષ્ય
આર્થિક મોરચે મોદી સરકારને ઝટકો લાગ્યો છે. દેશના વિકાસદરમાં ઘટાડો નોંધાયો છે. એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસદર ઘટીને 5 ટકા નોંધાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળ હેઠળનો આ સૌથી નીચલા સ્તરનો વિકાસદર છે. હાલમાં દેશના અનેક સેક્ટરો મંદીનો માર સહન કરી રહ્યા છે.
રેટિંગ એજન્સીઓએ પણ આપ્યો ઝટકો
આ આંકડાઓ એ સમયે જાહેર થયા છે જ્યારે દુનિયાભરની રેટિંગ એજન્સીઓ ભારતના જીડીપી અનુમાનના આકંડાઓને ઘટાડી રહી છે. હાલમાં જ ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડે પણ ભારતના વાર્ષિક વૃદ્વિદરનું અનુમાન 7.3 ટકાથી ઘટાડીને 6.7 ટકા કર્યું છે. એજન્સી અનુસાર વપરાશમાં ઘટાડો, ઓછા વરસાદ અને ઉત્પાદનમાં ઘટાડા જેવા કારણોસર સતત ત્રીજા વર્ષે અર્થતંત્રમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે પણ વર્ષ 2019 માટે ભારતનો વૃદ્વિદર 6.2 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. જાપાનની બ્રોકરેજ કંપની નોમુરાએ પણ સર્વિસ સેક્ટરમાં સુસ્તી, ઓછું રોકાણ અને વપરાશમાં સુસ્તીને કારણે ભારતનો વિકાસદર ઘટી રહ્યો છે. નોમુરા અનુસાર ગ્રાહકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે અને પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં પણ ઘટાડો થયો છે.
નોંધનીય છે કે મોદી સરકારે આગામી પાંચ વર્ષમાં દેશને 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. પરંતુ નિષ્ણાતો અનુસાર તેના માટે સતત અનેક વર્ષો સુધી 9 ટકા ગ્રોથ રેટ હોય તે અનિવાર્ય છે.
દેશના અનેક સેક્ટરને મંદીનો માર
જણાવી દઇએ કે દેશના ઑટો સેક્ટર સહિત અન્ય સેક્ટરને પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે. ઑટો સેક્ટરમાં ઉત્પાદન અને વેચાણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. લાખો લોકોએ નોકરી ગુમાવી છે. તે ઉપરાંત FMCG અને ટેક્સટાઇલ સેક્ટર પણ મંદીનો માર સહન કરી રહ્યું છે.