
ભારતીય અર્થતંત્રને વેગવંતુ બનાવવાના સંદર્ભે નાણા મંત્રી નિર્મલા સીતારમણ હાલમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું હતું કે સરકાર 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બેન્કિંગ સેક્ટર વિશે કહ્યું હતુંકે લોકોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઇ રહ્યા છે.
બેન્કિંગ સેક્ટરમાં મર્જરનો સમય
નિર્મલા સીતારમણે પંજાબ નેશનલ બેંક, યૂનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયા અને ઓરિએંટલ બેંકના વિલિનીકરણની જાહેરાત કરી હતી. આ વિલિનીકરણ બાદ પીએનબી દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બની જશે. તે ઉપરાંત કેનરા બેંક અને સિંડિકેટ બેંકના મર્જરનું પણ એલાન કર્યું હતું. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા, આંધ્ર બેંક અને કૉર્પોરેશન બેંકનું પણ મર્જર થશે. તે ઉપરાંત ઇન્ડિયન બેંકમાં અલ્હાબાદ બેંકના મર્જરનું પણ એલાન કર્યું હતું. આ વિલય બાદ દેશને 7મી સૌથી મોટી પીએસયૂ બેંક મળશે. નાણા મંત્રીના એલાન બાદ હવે દેશમાં 12 PSBs બેંક છે. અગાઉ વર્ષ 2017માં પબ્લિક સેક્ટરમાં 27 બેંક હતા.
- પંજાબ નેશનલ બેંક
યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા
ઓરિએંટલ બેંક ઑફ કૉમર્સ - કેનરા બેંક
સિંડિકેટ બેંક - અલહાબાદ બેંક
ઇન્ડિયન બેંક - યૂનિયન બેંક ઑફ ઇન્ડિયા
આંધ્ર બેંક
કૉર્પોરેશન બેંક - બેંક ઑફ ઇન્ડિયા
- બેંક ઑફ બરોડા
- બેંક ઑફ મહારાષ્ટ્ર
- સેંટ્રલ બેંક ઑફ ઇન્ડિયા
- ઇન્ડિયન ઓવરસીઝ બેંક
- પંજાબ એંડ સિંઘ બેંક
- સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા
- યૂકો બેંક
કઇ બેંકને કેટલું ભંડોળ મળશે
નાણા મંત્રીએ જણાવ્યું હતું કે મર્જર દરમિયાન પંજાબ નેશનલ બેંકને અંદાજે રૂ. 16,000 કરોડ, યૂનિયન બેંક ઓફ ઇન્ડિયાને 11,700 કરોડ, બેંક ઑફ બરોડાને 7,000 કરોડ, કેનરા બેંકને 6500 કરોડ, ઇન્ડિયન બેંકને 2500 કરોડ રૂપિયા મળશે. તે ઉપરાંત ઇન્ડિયન ઓવરસીઝ બેંકને 3800 કરોડ, સેંટ્રલ બેંક ઑફ ઇન્ડિયાને 3300 કરોડ, યૂકો બેંકને 2100 કરોડ, યૂનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયાને 1600 કરોડ અને પંજાબ એન્ડ સિંઘ બેંકને 750 કરોડ રૂપિયા મળશે.
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે 18માંથી 14 સરકારી બેંક પ્રૉફિટમાં છે.
હાઉસિંગ ફાઇનાન્સને સરકાર 3300 કરોડ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે
અત્યારસુધી કુલ 3 લાખથી વધુ શેલ કંપનીઓ બંધ થઇ ચૂકી છે
તેમણે નીરવ મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું હતુંકે ભાગેડુની સંપત્તિની રિકવરી પણ જારી છે.
આ પહેલા દિવસભર દબાણ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ પછી ભારતીય શેરબજારમાં તેજીના પ્રાણ ફૂંકાયા હતા.
કારોબારના અંતે સેન્સેક્સ 263.86 પોઇન્ટ મજબૂત થઇને 37,332 પોઇન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 74.95 પોઇન્ટના ઉછાળા સાથે 11,023.25 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સતત બીજા કારોબારી સપ્તાહના અંતે શેરબજાર તેજી સાથે બંધ થયું છે.
ઑટો સેક્ટર
ઑટો સેક્ટરમાં પણ તેજીના પ્રાણ ફૂંકવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે 31 માર્ચ 2020 સુધી ખરીદાયેલા BS-4 વાહન માન્ય ગણાશે. તે ઉપરાંત વન ટાઇમ રજિસ્ટ્રેશન ફીસને પણ જૂન 2020 સુધી વધારાઇ છે. તેમણે સરકારી વિભાગો દ્વારા વાહનોની ખરીદી પર લગાવાયેલી રોક પણ હટાવી દીધી છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે GST રિફંડમાં વિલંબથી પૈસાની અછત અનુભવનારા કારોબારીઓને રાહત આપતા એલાન કર્યું હતું કે હવે જીએસટી રિફંડની ચૂકવણી 30 દિવસની અંદર કરવામાં આવશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ તેજી માટે 100 લાખ કરોડ રૂપિયાના પેકેજનું એલાન કરાયું હતું. આ સેક્ટરમાં કામકાજ પર દેખરેખ રાખવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પણ ગઠિત કરાશે.