
5 દિવસમાં 1.32 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલના પણ ભાવ વધ્યા
ગત દિવસોમાં સાઉદી અરબમાં દુનિયાના સૌથી મોટી ક્રૂડ રિફાઇનરીમાં થયેલા ડ્રોન હુમલા બાદ ક્રૂડના ભાવ ભડકે બળ્યા હતા. આ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો ચાલુ છે. શનિવારે દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં 29 પૈસા, કોલકાતામાં 28 પૈસા અને ચેન્નાઇમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. તે ઉપરાંત ડીઝલ પણ દિલ્હી અને કોલકાતામાં 24 પૈસા જ્યારે મુંબઇમાં 25 તેમજ ચેન્નાઇમાં 26 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું.
5 દિવસમાં 1.32 રૂપિયા પેટ્રોલ મોંઘુ થયું
સતત વધારાને કારણે માત્ર 5 દિવસમાં દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 1.32 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે અને ડીઝલની કિંમતમાં પણ 1.10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. ઇન્ડિયન ઑઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશ 73:35 રૂપિયા, 76.05 રૂપિયા, 79.02 રૂપિયા અને 76.24 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. જ્યારે ડીઝલના ભાવ પણ ક્રમશ: 66.53 રૂપિયા, 68.94 રૂપિયા, 69.79 રૂપિયા તેમજ 70.33 રૂપિયા પ્રતિ લીટર થયા છે.
જણાવી દઇએ કે ગત સપ્તાહ દરમિયાન સાઉદી અરબમાં ક્રૂડ રિફાઇનરી પર થયેલા ડ્રોન હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. ગત સોમવારે ક્રૂડની કિંમતમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો હતો જે 28 વર્ષ પછીની સૌથી મોટી એક દિવસીય તેજી હતી.