
માર્કેટમાં હાહાકાર, સેન્સેક્સમા 470 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 1.69 લાખ કરોડ રૂપિયા સ્વાહા
ભારતીય શેરબજારમાં મંદીનો દોર યથાવત્ છે. યૂએસ ફેડરલ રિઝર્વે અંદાજ પ્રમાણે વ્યાજદરોમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. જો કે આ વર્ષ દર વધુ ઘટે તેવા કોઇ સ્પષ્ટ સંકેત નથી. આગળ દર ઘટાડાને લઇને ફેડના સદસ્યો એકમત નથી. ગ્લોબલ માર્કેટના સંકેતો વચ્ચે કારોબાર દરમિયાન સેન્સેક્સ 626 અંક તૂટ્યો હતો. નિફ્ટી પણ 136 પોઇન્ટ ઘટ્યો હતો. કારોબારના અંતે સેન્સેક્સ અંદાજે 470 અંકના કડાકા સાથે 36,093.47ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 136 અંકના ઘટાડા સાથે 10,705 ના સ્તર પર બંધ થયો હતો. બજારમાં કડાકાથી રોકાણકારોની કરોડો રૂપિયાની મૂડીનું ધોવાણ થયું છે.
રેકૉર્ડ હાઇથી 11 ટકા બજાર તૂટ્યું
આર્થિક મંદી, અમેરિકા-ચીન ટ્રેડ વોરની ચિંતા, જિયોપૉલિટિકલ ટેન્શન અને ખરાબ અર્નિગના આંકડાઓને કારણે શેરબજાર રેકોર્ડ હાઇથી અત્યારસુધી 11 ટકા તૂટી ચૂક્યું છે. જૂન 2019માં બજારે રેકોર્ડ હાઇ બનાવ્યો હતો.
નિફ્ટી પણ 7 મહિનાના નીચલા સ્તર પર
નિફ્ટી પણ 7 મહિનાના નીચલા સ્તર પર બંધ થઇ હતી. સેન્સેક્સના 30 શેર્સમાંથી 26 શેર્સ નુકસાનીમાં રહ્યા હતા જ્યારે નિફ્ટીના 50માંથી 43 શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. બેંક નિફ્ટીના પણ 12 શેર્સમાં વેચવાલી રહી હતી.
રોકાણકારોના 1.69 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
બજારમાં કડાકાને કારણે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. બીએસઇ પર લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ 1,40,19,877.32 કરોડ હતું તે આજે 1,69,335.47 કરોડ રૂપિયા ઘટીને 1,38,50,541.85 કરોડ રૂપિયા નોંધાયું હતું.